ગેટ પરીક્ષાનું પરિણામ જાહેર, શહેરના ૬ વિદ્યાર્થીઓ દેશના ટોપ-૫૦૦માં
વડોદરાઃ આઈઆઈટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે તેમજ સરકારના સંખ્યાબંધ જાહેર સાહસોમાં નોકરી મેળવવા માટે દેશવ્યાપી સ્તરે લેવાતી ગેટ( ગ્રેજ્યુએટ એપ્ટિટયૂટ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ) પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું.વડોદરાના ૬ વિદ્યાર્થીઓએ ટોપ-૫૦૦ માં સ્થાન મેળવ્યું છે.
આ વર્ષે ફેબુ્રઆરીમાં ભારતના ૭૦૯ કેન્દ્રો પર અલગ અલગ ૩૦ પેપરોની ગેટ પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષા માટે ૮.૩૭ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ.વડોદરામાંથી એન્જિનિયરિંગના સ્નાતક અભ્યાસક્રમના ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હોવાનું અનુમાન છે.
પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરવાની ઈચ્છા
આઈઆઈટીમાંથી એમટેક કર્યા બાદ પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરવાની ઈચ્છા છે.ડીઆરડીઓ અને ઈસરોમાં જોબ ઈન્ટરવ્યૂ માટે પણ હું તૈયારી કરી રહ્યો છું.એરોસ્પેસ એન્જિનિયરિંગના સ્નાતકના અભ્યાસ સાથે જ ગેટ પરીક્ષાની તૈયારી પણ કરી હતી.
હરીલ મુંજાલ બાડમેલિયા, એરસ્પેસ એન્જિનિયરિંગમાં ૯૮ રેન્ક,
ગયા વર્ષથી ગેટ પરીક્ષાની તૈયારી શરુ કરી હતી
સિવિલ એન્જિનિયરિંગમાંથી બેચલર ડિગ્રી મેળવી છે અને આઈઆઈટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવવાની ઈચ્છા છે.ગેટ પરીક્ષા માટે મે સિવિલ એન્જિનિયરિંગમાં ત્રીજા વર્ષથી તૈયારી શરુ કરી દીધી હતી.પિતા ખેડૂત છે અને હું વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું.
આર્યન સોલંકી, એન્વાર્યમેન્ટ સાયન્સમાં ૧૪૧ રેન્ક
કોમ્પ્યુટર સાયન્સમાં રિસર્ચ કરવું છે
અત્યારે કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું.આઈઆઈટીમાં એમટેક કર્યા બાદ મારે કોમ્પ્યુટર ક્ષેત્રમાં રિસર્ચ કરવું છે.એમટેક કરવું હોવાથી મેં કેમ્પસ પ્લેસમેન્ટ માટે એપ્લાય કર્યું નહોતું.છેલ્લા ૬ મહિનાથી ગેટ પરીક્ષાની તૈયારી માટે રોજ ચાર થી પાંચ કલાક સમય ફાળવતો હતો.
ઓમ મલિક, કોમ્પ્યુટર સાયન્સમાં ૧૬૩ રેન્ક
ગેટ પરીક્ષાની તૈયારી માટે નોકરી છોડી દીધી
હું બેચલર ડિગ્રી મેળવ્યા બાદ નોકરી કરતી હતી પરંતુ ગેટ પરીક્ષાની તૈયારી કરવા માટે નોકરી છોડી દીધી હતી.ભવિષ્યમાં સેમિ કન્ડકટર ઈન્ડસ્ટ્રીની બોલબાલા રહે તેવી શક્યતા છે.જેને ધ્યાનમાં રાખીને આઈઆઈઆઈટીમાંથી એમટેક કરવા માટે ગેટ પરીક્ષા આપી હતી.
નાઝનિન અમીરુલ હક, ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનમાં ૨૮૫ રેન્ક
ચાર વર્ષના કોર્સનું રિવિઝન જરુરી
ગેટ પરીક્ષામાં સફળતા મેળવવા માટે બેચલર ડિગ્રીના ચારે વર્ષમાં જે ભણાવ્યું હોય તેનું રિવિઝન કરવાની તૈયારી રાખવી પડે છે.અત્યારે હું બીઈના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું.આ અભ્યાસની સાથે જ ગેટ પરીક્ષાની પણ તૈયારી કરી હતી અને જે પ્રમાણે અપેક્ષા હતી તે પ્રમાણે સફળતા મળી છે.
આયુષ બિસ્કિટવાલા, એન્જિનિયરિંગ સાયન્સમાં ૨૯૫ રેન્ક
બીઈના અભ્યાસ સાથે જ તૈયારી કરી હતી
પેટ્રોલિયમ જિઓલોજીમાં આઈઆઈટીમાં જઈને એમટેકનો અભ્યાસ કરવો છે અથવા તો જાહેર સાહસમાં નોકરી કરીશ.બીઈના અભ્યાસ દરમિયાન જ મેં નક્કી કર્યું હતું કે, ગેટ પરીક્ષા આપવાની છે અને તેને ધ્યાનમાં રાખીને બીઈના અભ્યાસની સાથે ગેટ પરીક્ષાનો અભ્યાસ પણ કરી શકાય તેવુ ટાઈમ ટેબલ બનાવ્યું હતું.
ગજ્જર દેવાંશ મિનેશ, પેટ્રોલિયમ જિઆલોજીમાં ૭૪મો રેન્ક