જેતલપુર રોડ પર આવેલા રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરો તોડફોડ
જેતલપુર રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં બાકીના પૈસાની ઉઘરાણી કરી કોન્ટ્રાક્ટર અને તેના સાથીદારો દ્વારા રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી.
અટલાદરા સનફાર્મા રોડ નિલાંબર ઓરિયસમાં રહેતા વિશાલ શ્યામભાઇ છાબરીયા જેતલપુર સુધાનગર ખાતે કરીમ રેસ્ટોરન્ટ ભાડે ચલાવે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે કે, મારા રેસ્ટોરન્ટમાં કલર કામ, ફર્નિચર તથા સાફ સફાઇનું કામ દોઢ લાખ રૃપિયામાં સુરેશ સાથે નક્કી કર્યુ હતું. આ કામના 1.10 લાખ મેં તેને ચૂકવી દીધા હતા. જ્યારે બાકીના રૃપિયા કામ પુરૃં કર્યા પછી ચૂકવવાનું નક્કી થયું હતું.પરંતુ, તેને કામ પુરૃં કર્યુ નહતું.ગઇકાલે બપોરે સવા એક વાગ્યે મારા ફોન પર સુરેશ સુદામભાઇ શેગરે કોલ કરીને મને કહ્યું કે, હું તમારા રેસ્ટોરન્ટ પર આવ્યો છું. મારા બાકીના રૃપિયા આપી દો. જેથી, હું તથા મારી પત્ની રેસ્ટોરન્ટ પર ગયા હતા. સુરેશે ધમકી આપતા કહ્યું કે, મને પૈસા આપી દો. નહીંતર હું તોડફોડ કરીશ. મેં તેને કહ્યું કે, બાકીનું કામ પતાવી દે, પછી પૈસા આપીશ. સુરેશ અને તેની સાથે આવેલા અન્ય ત્રણ વ્યક્તિઓએ મારા પર હુમલો કરી રેસ્ટોરન્ટમાં લેપટોપ, ફ્રીજને નુકસાન કરી કાચની દીવાલ તોડવા લાગ્યા હતા.