ગંભીરા પુલ હોનારત બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા લોકો હોડીનો સહારો લેવા મજબૂર
- મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા પુલ દુર્ઘટનાને 14 દિવસ થયા
- સરપંચ પાસે હોડીની પરવાનગી માંગી છતાં પણ પણ અપાઇ નહીં મહિસાગર નદી પર ભરતી કે પૂર આવે તો હોનારતની સંભાવના
ગંભીરા મુજપુર પુલની તા. ૯ જુલાઇએ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનાના ૧૪ દિવસ બાદ સરકાર દ્વારા ગંભીરાથી મુજપુર જવાના વૈકલ્પિક માર્ગની કોઇ પણ વ્યવસ્થા ઉભી કરી નથી.આ વિસ્તારમાંથી પાદરા, મુજપુર સહિતની જીઆઇડીસીમાં નોકરી કરવા જતા અસંખ્ય યુવાનોને હવે ઉમેટા થઇને નોકરી જવું પોસાય તેમ નથી. લોકોએ ટુંકો માર્ગ અપનાવ્યો છે. હવે ગંભીરા નદીથી સામે કાંઠે મુજપુર જવા માટે લોકોએ હોડીનો સહારો મેળવ્યો છે.
તેવી જ રીતે સામે કાંઠે મુજપુરથી પણ ગંભીરા જવા માટેની હોડીની ફેરી ચાલુ થઇ છે.
વહેલી સવારે ગંભીરા મહિસાગર નદીમાં પાંચથી વધુ હોડીઓ જોવા મળી રહી છે. જેમાં યુવકો સહિત લોકો બેસીને સામે કાંઠે મુજપુર જતા હોય છે અને ત્યાંથી રિક્ષાઓ અથવા અન્ય વાહનો પકડીને પાદરા તરફની જીઆઇડીસીમાં નોકરી કરવા જઇ રહ્યાં છે. તેવી રીતે સાંજના સમયે નોકરી છૂટવાના સમયે મુજપુરથી ગંભીર જવા માટેની પણ હોડીની સહારો લેવાની નોબત આવી છે. હાલ એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે વ્યકિત દિઠ રૂ. ૨૦ ભાડું વસૂલ કરવામાં આવે છે.
ગંભીરા ગામના સરપંચે જણાવ્યુ કે, સામે કાંઠે હોડી લઇને જવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ પંચાયત દ્વારા કોઇ મોટી હોનારત સર્જાય નહીં તે માટે કોઇપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં નોકરીયાત સહિત લોકો ઉમેટા થઇને નોકરીએ જવામાં વધુ સમય અને ખર્ચ થઇ રહ્યો છે. જેના કારણે લોકો ન છૂટકે હોડીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી સરકારે વલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ તેવી માગણી ઉઠી છે. જોકે, મહિસાગર નદીમાં પુર અથવા દરિયામાં ભરતી આવે પાણી વધી જવાથી મુશ્કેલી સર્જાઇ શકે છે. પાણીનું વહેણ વધી જાય તો હોળી ઊંધી પડી જવાની પણ સંભાવના છે.
હેવી ક્રેન દ્વારા પુલ પરથી ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ થશે
ગંભીરા બ્રિજ ઉપર લટકેલી ટેન્કર નીચે ઉતારવા સેનાના હેલિકોપ્ટરની મદદ લેવાની યોજના નિષ્ફળ જતો હવે રાજ્ય સરકાર દ્વારા ટેન્કરને નીચે ઉતારવા માટે હેવી ક્રેનની મદદ લેવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.જેથી વહીવટી તંત્ર દ્વારા ૨૦ ટન વજનની હેવી ટેન્કરને નીચે ઉતારવા માટેની ક્રેઇનની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને બાદ ચાર દિવસની અંદર ટેન્કર નીચે ઉતારવામાં આવશે.