કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના વહિવટમાં છેલ્લા ઘણા વર્ષોથી સંકલનના નામે ચુંટાયેલા પ્રતિનિધિઓ પર સીધી લગામ લગાવે છે. સુરત પાલિકાના નાનાથી માંડીને મોટા નિર્ણય ચુંટાયેલા પ્રતિનિધિ નહી પરંતુ કમલમમાં બેઠેલા ભાજપના સંગઠન કરી રહ્યાં છે તે વધુ એક વખત સાબિત થયું છે. સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં વધારાના કેટલાક કામ રજૂ કરવામાં આવ્યા હતા. તે ભાજપ સંગઠનને જાણમાં ન હતા. તે જાણ્યા બાદ શહેર પ્રમુખે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષે શો કોઝ નોટિસ ફટકારી છે અને ત્રણેય કામો દફતરે કરવામાં આવ્યા છે.
સુરત પાલિકાનો 10 હજાર કરોડનું બજેટ છે જેમાં પાંચ હજાર કરોડના કેપીટલ કામો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ તેનો નિર્ણય ચુંટાયેલા પ્રતિનિધિઓ કે પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ નહી પરંતુ કમલમમાં બેઠેલા સંગઠનના હોદ્દેદારો કરી રહ્યાં છે તેવા આક્ષેપ થયા હતા તે આક્ષેપ શનિવારે પાલિકામાં જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં સાબિત થઈ ગયું છે. આ જાહેર બાંધકામ સમિતિની બેઠક માત્ર સાત મિનિટમાં જ પૂરી થઈ ગઈ હતી. આ બાંધકામ સમિતિની બેઠકમાં વધારાના આઠ કામો રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાંથી ત્રણ કામો લિંબાયત ઝોન-ડ્રાફટ ટીપી સ્કીમ નં.62 (ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ) અને ટીપી સ્કીમ નં.41 (ડિંડોલી), કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નં.49, 50, 51, 52 અને ગામતળના વિવિધ રસ્તાઓ તથા કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નં.18માં સ્થિત શિવછાયા ટેનામેન્ટ અને ધી વિહાર કો-ઓ. હાઉસિંગ સોસાયટીની આંતરિક ગલીઓમાં પેવર બ્લોક, ફૂટપાથ, વોટર ટેબલ બનાવવાની કામગીરીના ટેન્ડર મંજૂરીની દરખાસ્તોને જાહેર બાંધકામ સમિતિએ મંજુરી આપી હતી.
પરંતુ આ કામ શહેર ભાજપ સંગઠનની જાણ બહાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષે આ ત્રણ કામ ભાજપ સંગઠનની જાણ બહાર મુકી દીધા હોવાનું બહાર આવ્યું છે. આ ઠરાવ બાદ શહેર પ્રમુખે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષને શો કોઝ નોટિસ ફટકારી છે. એટલું જ નહીં પરંતુ જે ત્રણ ઠરાવ બાંધકામ સમિતિમાં કરવામાં આવ્યા હતા તે ત્રણ ઠરાવ દફતરે કરી દેવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં ટુંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે કવાયત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સેક્ટેરી બ્રાંચના કેટલાક કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે.
જાહેર બાંધકામ સમિતિની બેઠક બાદ જે ડ્રામા થયો છે તેના કારણે સુરત પાલિકાનો વહીવટ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં પરંતુ ભાજપના નેતાઓ જ કરે છે તેવી ચર્ચાને જોર મળી રહ્યું છે. અને સુરત પાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન ભાજપના નેતાઓના પપેટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.









