અમદાવાદના નરોડામાં સ્વામિનારાયણ પાર્કમાં 1600 મકાન અને 200 દુકાનો BU વગરની, તંત્રની નોટિસથી રોષ ફેલાયો

Naroda Swaminarayan Park flat : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કના 1600 મકાન અને 200 દુકાન દસ વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના છે. દસ વર્ષ સુધી આ સ્કીમના કોન્ટ્રાકટર ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રકટર સાથે મિલીભગત રાખનારા કોર્પોરેશનના અધિકારીઓએ હવે દુકાનો ખાલી કરવા ત્રણ દિવસની નોટિસ આપતા દુકાનદારોમા ઉગ્ર આક્રોશ જોવા મળી રહયો છે. બિલ્ડર દ્વારા જુના જી.ડી.સી.આર.મુજબ વારંવાર કરવામા આવેલી અરજી કોર્પોરેશન દ્વારા ગ્રાહય રાખવામા આવી નથી.ઈમ્પેકટના કાયદા હેઠળ બાંધકામ નિયમિત કરાવવા ઓનલાઈન અને ઓફલાઈન કન્સ્ટ્રકશન સેસ સહીત ફાયર એન.ઓ.સી.મેળવવા બિલ્ડરને તાકીદ કરાઈ હતી.
વર્ષ-2011માં આ સ્કીમ જયાં બનાવાઈ છે તે વિસ્તાર ઔડા હસ્તક હતો. બિલ્ડર દ્વારા એ સમયે ઔડામાંથી બાંધકામ માટે રજા ચિઠ્ઠી લઈને બે વર્ષની અંદર બાંધકામ પુરુ કરી દેવામા આવ્યુ હતુ. બી.યુ.પરમીશન લીધી નહીં હોવાછતાં ગ્રાહકો સાથે વેચાણ દસ્તાવેજ કરી તેમને દુકાન કે મકાન વેચી દેવામા આવ્યા અને લોકો તેમા રહેવા પણ જતા રહયા. સ્વામિનારાયણ પાર્ક પાંચ અલગ અલગ સેકટરમાં બનાવવામા આવેલુ છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ,બિલ્ડર દ્વારા જે પ્લાન બનાવાયો હતો તેમાં ફલેટના કેટલાક ભાગમાં ખુલ્લો પેસેજ રાખવામા આવ્યો હતો.ત્યાં હવે દુકાનો બનાવી દેવામા આવી છે.આ દુકાનો દસ્તાવેજ કરી વેચી દેવામાં આવી છે. આ વિસ્તારનો વર્ષ-2015માં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા સમાવેશ કરવામા આવ્યો હતો.તેની ફાઈલ કોર્પોરેશન પાસે આવતા કાર્યવાહી કોણ કરે એ બાબતને લઈ થોડો સમય ગજગ્રાહ ચાલ્યા પછી કોર્પોરેશન તરફથી બિલ્ડરને નોટિસ ફટકાઈ હોવાનુ ઉત્તરઝોનના કોર્પોરેશનના અધિકારી વિશાલ ખનામાએ એક વાતચીતમા કહયુ છે. દસ વર્ષમાં ઉત્તરઝોનમાં આવેલા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કે વોર્ડના ઈન્સપેકટરો પણ અત્યાર સુધી કાર્યવાહી કરવાને લઈને કયા કારણથી નિષ્ક્રીય રહયા એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે. બિલ્ડર અને કોર્પોરેશનના સ્ટાફની મિલીભગતના કારણે નિર્દોષ લોકો હાલ મુશ્કેલીમા મુકાયા છે.
બી.યુ.મેળવવા પાંચ કરોડ ભરવાના થાય
કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, સ્વામિનારાયણ પાર્ક માટે બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવા બિલ્ડર ઉમંગ ઠકકરને રુપિયા પાંચ કરોડ જેટલી માતબર રકમ ભરવાની થાય છે. બિલ્ડર સામે કાર્યવાહી કરવાના બદલે તંત્રે વપરાશકારોને નોટિસ ફટકારી દીધી છે.
સ્વામિનારાયણ પાર્કને લઈ જોડાયેલા વિવાદ કયા-કયા
1.5 ઓગસ્ટ-2011ના રોજ ઔડાએ બિલ્ડરને સ્કીમ માટે વિકાસ પરવાનગી આપી હતી.
2.7 નવેમ્બર-2013ના રોજ બિલ્ડરે ઔડામા બી.યુ.માટે અરજી કરી જે માન્ય ના રખાઈ.
3.1 ડિસેમ્બર-2015ના રોજ ઔડાએ કોર્પોરેશનને મુળ ફાઈલ મોકલી આપી.
4.24 સપ્ટેમ્બર-2017ના રોજ મ્યુનિ.કમિશનરે બી.યુ.ની ફાઈલ ઔડામા પરત મોકલી.
5.2 મે-2018ના રોજ ઔડાએ કોર્પોરેશનને તમામ કાર્યવાહી કરવા ફાઈલ પરત મોકલી.
6.21 જાન્યુઆરી-2019ના રોજ કન્સ્ટ્રકશન સેસ ની રકમ ભરવા તાકીદ કરાઈ.
7.23 માર્ચ-2019ના રોજ એન્વાયરમેન્ટ એન.ઓ.સી.મેળવવા તાકીદ કરાઈ.
8.વર્ષ-2020થી વર્ષ-2022 સુધી ઉમંગ ઠકકરે કોર્પોરેશનમા ત્રણ વખત અરજી કરી
9.જુના જી.ડી.સી.આર મુજબ વપરાશ પરવાનગી આપવાની અરજી ના મંજૂર કરાઈ
ઈમ્પેકટ હેઠળ અલગ અલગ થયેલી અરજીઓ નકારાઈ
ઈમ્પેકટ હેઠળ બાંધકામ નિયમિત કરાવવાનો કાયદો અમલમા આવતા તમામ રહેણાંકના બ્લોક તથા દુકાન માલિકોએ તેમના બાંધકામ નિયમિત કરાવવા અલગ અલગ અરજી કરી હતી. વર્ષ-2024 સુધી યોગ્ય પુરાવા રજૂ નહીં કરાતા અરજીઓ દફતરે કરાઈ હતી.

