રહેણાંક વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે રહિશો ત્રાહીમામ
- ભુગર્ભ ગટરના વરસાદી પાણી ઘરો સુધી ફરી વળતાં રોગચાળો ફેલાવાની દહેશત
- છેલ્લા 8 દિવસથી મનપા તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપાની હદમાં આવતા અમુક વિસ્તારોમાં વરસાદી પાણી તેમજ ભુગર્ભ ગટરની સમસ્યાથી સ્થાનીક રહિશો અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે શહેરના રૂપાળી બાના મંદિર પાસે આવેલ રહેણાંક સોસાયટીઓમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચતા ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે જે અંગે મનપા તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ .કેલ આવ્યો નથી.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રૂપાળી બાના મંદિર પાસે આવેલ નારાયણનગર-૩ સહિત આસપાસની રહેણાંક સોસાયટીઓમાં ભુગર્ભ ગટરોની સફાઈના અભાવે સામાન્ય વરસાદમાં પણ પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરોમાં ગટરોના પાણી બેક મારી ભરાઈ જાય છે જેના કારણે સ્થાનીક રહિશો તેમજ મહિલાઓ અને વૃધ્ધો ઘરમાં રહિ પણ શકતા નથી તેમજ દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેતા આ વિસ્તારના લોકો ત્રસ્ત બની ચુક્યા છે જ્યારે ભુગર્ભ ગટરની સફાઈ તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવા અંગે મનપા તંત્રને છેલ્લા આઠ દિવસથી ફરિયાદ કરી હોવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની તસ્દી પણ લીધી નથી જેના કારણે સ્થાનીક રહિશોનું રહેવું મુશ્કેલ બન્યું છે આ મામલે રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં સ્થાનીક રહિશોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે અને આગામી સમયમાં કાયમી ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.