- રસ્તાઓ પર ગંદા પાણી ભરાઇ રહેતા રોગચાળાનું જોખમ
- રજૂઆત કરવા ગયેલા લોકોને અધિકારીઓએ પોલીસના નામે દબડાવતા રોષ : સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મફતિયાપરા અને પાંચ હનુમાન સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
પીવાના પાણીની પાઈપલાઈનમાં પણ ડ્રેનેજનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. સેનિટેશન પાછળ કરોડોનું બજેટ ખર્ચાતું હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે.
આ નરકાગાર જેવી સ્થિતિથી કંટાળીને સ્થાનિક મહિલાઓ અને રહીશો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, અધિકારીઓએ પ્રશ્નનો ઉકેલ લાવવાને બદલે રહીશોને પોલીસ બોલાવી દેવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો.
રોષે ભરાયેલા લોકોએ મનપા કમ્પાઉન્ડમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રહીશોની માંગ છે કે અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરે અને ડ્રેનેજ લાઈનનું કાયમી નિરાકરણ લાવે. જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.


