ડે. મેયરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો વિરોધ
વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણીમાં ઊભા રહી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર
ડે. મેયરના વોર્ડ નં.૧૧માં સમાવિષ્ટ વાસણા રોડ વૃંદાવન સોસાયટી ખાતે વરસાદી પાણીનો ભરાવો સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે રહીશોએ માર્ગ ઉપર ભરાયેલ પાણીમાં ઊભા રહી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રહીશોનું કહેવું હતું કે, સામાન્ય વરસાદમાં માર્ગ ઉપર પાણીનો ભરાવો થાય છે, વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ થતો નથી, ખાસ કરીને, બાળકો અને સિનિયર સિટીઝનોને વધુ મુશ્કેલી થાય છે, સફાઈ કર્મચારીઓ નજરે ચડતા નથી અને વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ છે, લાંબા સમયથી આ સમસ્યાઓ હોય અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી અથવા નેતા સ્થળ પર ફરકતા નથી, પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર છે, વિતેલા વર્ષે પાણીના નિકાલ માટે રહીશોએ જાતે ચેમ્બરો સાફ કરી હતી, વેરો સમયસર ભરીએ છીએ પરંતુ તેની સામે સુવિધા મળી રહી નથી, જેથી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ, નવો માર્ગ, નિયમીત સફાઈ સહિતની રહીશોની માંગ હતી.