આંકલાવમાં વીજ પુરવઠો ખોરવાતા રહીશોનો કચેરીએ હલ્લાબોલ
- ઈન્દિરાનગરી કોલોનીની 3 લાઈનમાં વીજળી ડૂલ
- વીજળીની સમસ્યાથી કંટાળી શનિવારે મોડી રાતે લોકોનો ઘેરાવો : પોલીસ બોલાવવી પડી
આણંદ : આંકલાવ શહેરની ઇન્દિરા કોલોનીમાં કેટલાય દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતા કંટાળેલા રહીશોએ આખરે એમજીવીસીએલની કચેરીનો ઘેરાવ કર્યો હતો.
આંકલાવ શહેરમાં આવેલી ઇન્દિરા કોલોમાં છેલ્લા કેટલાય દિવસોથી સોસાયટીની છેલ્લી ત્રણ લાઈનમાં વીજ પુરવઠો સતત ખોવાઈ ગયો હોવાની વ્યાપક ફરિયાદો થવા પામી છે. આ બાબતે એમજીવીસીએલમાં તથા પાલિકામાં પણ લેખિત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં આખરે સોસાયટીના રહીશોએ કંટાળીને આંકલાવ એમજીવીસીએલની કચેરીમાં શનિવારે મોડી રાતે હલ્લાબોલ મચાવ્યો હતો. આ અંગે એમજીવીસીએલ દ્વારા પોલીસ તંત્રને જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી. સ્થાનિક રહીશોએ વીજ પુરવઠો ન આવતો હોવાની આક્રોશ સાથે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. વરસાદને કારણે વીજળી ડુલ થઈ જતા રહીશોને ભારે મુશ્કેલીઓ પડી રહી હોવાથી સત્વરે વીજ પુરવઠો સતત ચાલુ રહે તેવી માંગ કરી હતી.