વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટતા રહીશો વિફર્યા
Vadodara : વડોદરામાં દાલીયાવાડી ખાતે વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટી જવાથી પાણી વગર ટળવળતા રહીશો વિફરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાવી કામગીરી અટકાવી શ્રમિકોનો સામાન ઝૂંટવી લેતા તંત્રમાં દોડધામ મચી હતી.
કોર્પોરેશને વોર્ડ નં.13માં સમાવિષ્ટ ગાજરવાડી ઇદગાહ મેદાનથી દાલીયાવાડી માર્ગ ઉપર વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીમાં પાણીની લાઈન તૂટી જવાથી છેલ્લા પાંચ દિવસથી પાણીની સમસ્યા સર્જાઇ હતી. રહીશોએ રજૂઆત કરતા કોન્ટ્રાક્ટરે કોર્પોરેશન ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. જેથી સમસ્યાનો ઉકેલ ન આવવાથી રોષે ભરાયેલા શ્રી વર્ધમાન એપાર્ટમેન્ટના રહીશો આજે વિફર્યા હતા. અને કોન્ટ્રાક્ટરના શ્રમિકોના ત્રિકમ, પાવડા, તગારા સહિતનો સામાન ઝૂંટવી લઈ કામગીરી બંધ કરાવી હતી. રહીશોનું કહેવું હતું કે, પાંચ દિવસથી 38 મકાનોમાં પાણી મળી રહ્યું નથી. વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટી ગયા બાદ કોન્ટ્રાક્ટરે રીપેર કરવાના સ્થાને પુરાણ કરી દઈ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ સાથે બેદરકારી દાખવી સુરક્ષાના ભાગરૂપે આડશ ઉભી કરી નથી. જ્યાં સુધી અમારા ઘરોમાં પાણી નહીં આવે ત્યાં સુધી આ કામગીરી નહીં થવા દઈએ. અમને વરસાદી ગટરની કામગીરીથી નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વાંધો છે.