Gujarat

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલા રહીશોનો કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે હલ્લાબોલ

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
પાણી વિતરણ મથકની આસપાસ આવેલી સોસાયટીઓના રહીશોએ જ દૂષિત પાણીની બોટલ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલા રહીશોનો કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે હલ્લાબોલ

Vadodara Corporation : વડોદરાના વારસિયા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ દૂષિત પાણીના બોટલો સાથે કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે ઘસી જઈ ભારે હોબાળો મચાવી સમસ્યાના ઉકેલની માંગ કરી હતી.

વડોદરા શહેરમાં સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પીવાના પાણીનો કકળાટ સામે આવતો હતો. પરંતુ, હવે બારેમાસ પીવાના પાણી માટે બૂમો ઉઠી રહી છે. કોઈ સ્થળે ઓછા પ્રમાણમાં તો કોઈ સ્થળે દુષિત પાણી વિતરણ થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. કોર્પોરેશન ટેન્કરો દોડાવી સંતોષ માની રહ્યું છે. પરંતુ, ગણતરીના ટેન્કરો પહોંચતા પાણીનો પર્યાપ્ત પુરવઠો મળી રહ્યો નથી. લોકોને પાણીના જગ ખરીદવાની પણ નોબત આવી રહી છે. ત્યારે ફરી એક વખત પાણીનો કકડાટ સામે આવ્યો છે. વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોનો મોરચો જુના આરટીઓ પાસે આવેલ કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે ઘસી ગયો હતો. જ્યાં કોર્પોરેશન દ્વારા વિતરણ કરાતું પાણી અપૂરતા પ્રમાણમાં તથા દૂષિત હોવાનું જણાવી પાણીની બોટલ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રહીશોનું કહેવું હતું કે, નરસિંહ ટેકરી, ગોસાઈ મહોલ્લો, ભાઉશિંદે મહોલ્લો, રબારીવાસ સહિતના વિસ્તારોમાં અંદાજે 15 હજારથી વધુ નાગરિકો છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે, પાણી નિયમિત વિતરણ થઈ રહ્યું નથી, તેમાંય કાળાશ પડતું દૂષિત પાણી મળી રહ્યું છે, જેના કારણે લોકો માંદગીમાં સપડાઈ રહ્યા છે, ચેરમેન અમારા વિસ્તારના હોવું સૌભાગ્ય કે દુર્ભાગ્ય તે સમજાતું નથી, તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં બહાના બતાવી સમસ્યાના ઉકેલમાં વિલંબ કરે છે, જ્યાં સુધી હલ્લાબોલ ન કરીએ ત્યાં સુધી તંત્રની આંખો ઉઘડતી નથી, વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે હલ્લાબોલ કરીશું. 

વોર્ડ નં. 15માં પણ દૂષિત પાણીની સમસ્યાથી રહીશો પરેશાન

વડોદરા શહેરના ગાજરાવાડી પાણીની ટાંકીથી કપુરાઇ પોલીસ સ્ટેશન તરફના માર્ગ ઉપર આવેલ વોર્ડ નં.15માં સમાવિષ્ટ જગન્નાથ કોમ્પ્લેક્સમાં છેલ્લા પખવાડિયાથી કોર્પોરેશનનું પાણી કાળાશ પડતું દુર્ગંધયુક્ત વિતરણ થઈ રહ્યું હોવાની બુમો ઉઠી છે. ખાસ કરીને, ચોમાસાની ઋતુમાં આ સમસ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું રહીશોનું કહેવું છે. વધુમાં તેઓનો આક્ષેપ હતો કે, આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી.