Get The App

વઢવાણ અબોલપીર ચોકના રહિશોનો મનપા કચેરીમાં હલ્લાબોલ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
વઢવાણ અબોલપીર ચોકના રહિશોનો મનપા કચેરીમાં હલ્લાબોલ 1 - image

- બે મહિનાથી ગટરના પાણી ભરાવાની સમસ્યા મુદ્દે

- બે દિવસ અગાઉ ગટરના ગંદા પાણીમાંથી નનામી કાઢવા પડી હતી : લોકોમાં આક્રોશ

સુરેન્દ્રનગર : વઢવાણ અબોલપીર ચોકના રહિશોએ બે મહિનાથી ગટરના પાણી ભરાવાની સમસ્યાને મનપા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. બે દિવસ અગાઉ ગટરના ગંદા પાણીમાંથી નનામી કાઢવા પડતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ અબોલપીર ચોક વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈ રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે બે દિવસ પહેલા એક અંતિમ યાત્રા (નનામી) પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર કરીને કાઢવી પડી હતી. 

આ શરમજનક સ્થિતિ અને પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યોે હતો. રહીશોનો આક્ષેપ છે કે, બાંધણી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી લોકોના ઘર સુધી ભરાઈ ગયું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. અનેક રજૂઆતો છતાં સેનિટેશન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. રોષે ભરાયેલા લોકોએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી ચીમકી આપી છે કે જો સોમવાર સુધીમાં ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુરેન્દ્રનગર મહાનગર બન્યા બાદ પણ વઢવાણમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉઠયા છે.