વિશ્વામિત્રી નદીના પૂરને એક વર્ષ બાદ પણ સંતકબીરનગરના રહીશો સહાયથી વંચિત
અંદાજે 25 જેટલા મકાનોમાં પાણી પ્રવેશતા ઘરવખરી સહિતના સમાનને નુકસાન પહોંચ્યું હતું
વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને એક વર્ષ વીત્યું છે, છતાં અનેક પીડિતો સરકાર તરફથી જાહેર કરાયેલ કેશ ડોલ સહાયથી વંચિત રહ્યા છે. સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં આવેલ સંતકબીરનગરના રહીશોએ આજે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રહીશોનું કહેવું હતું કે, પૂરના કારણે તેમના મકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને સંતકબીરનગરના અંદાજે 25 જેટલા મકાનોમાં પાણી પ્રવેશી જવાથી ઘરેલું સામાન બગડ્યો હતો અને પરિવારોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. સરકાર દ્વારા પૂરની તકલીફ સહન કરનારા પરિવારોને કેશ ડોલ સહાયની જાહેરાત કરાઈ હતી, છતાં અમલના સ્તરે અનેક પરિવારો હજુ સુધી સહાયથી વંચિત છે. સહાય મેળવવા માટે જરૂરી પ્રક્રિયા તેમણે પૂર્ણ કરી હતી અને અનેક વખત સરકારી કચેરીઓમાં ચક્કર લગાવ્યા હતા. છતાં મદદરૂપ થવાના બદલે વારંવાર ફક્ત આશ્વાસન જ મળ્યા છે. સંતકબીરનગરના કેટલાક પરિવારોને સહાય મળી ચૂકી છે, પરંતુ સમાન નુકસાન છતાં અન્ય પરિવારને કોઈ સહાય મળેલી નથી. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી રહીશોમાં વધુ ભયનો માહોલ છે. વિશ્વામિત્રી નદીના કાંઠે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ ખોદકામને કારણે પાળાનું ધોવાણ થવા લાગ્યું છે, જેના કારણે ફરીથી પૂરની શક્યતા ઊભી થઈ છે.