રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ પાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો
- બાવળામાં વરસાદી પાણીના નિકાલ મુદ્દે
- આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસ ખડકી દેવામાં આવી, રહીશોને લેખિતમાં બાંહેધરી આપતા 3 કલાક બાદ મામલો થાળે પડયો
બગોદરા : બાવળામાં વરસાદી પાણીના નિકાલ મુદ્દે રત્નદીપ અને પદ્માવત સોસાયટીના રહીશોએ હોબાળો મચાવી પાલિકા કચેરીને બાનમાં લીધી હતી. આત્મવિલોપનની ચીમકીને લઈ ધોળકા ડીવાયએસપી, સહિત જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી હતી. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે રહીશોને તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવાની લેખિતમાં બાંહેધરી આપતા ત્રણ કલાક બાદ મામલો થાળે પડયો હતો.
બાવળા શહેર રવિવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ઘરની અંદર ઘૂસી જતા રત્નદીપ સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો મંગળવારના રોજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધોળકા-બાવળા હાઇવે ચક્કાજામ કર્યો હતો.
રહીઓએ ૨૦ કલાકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચિમકી ઉચારતા પાલિકાના અધિકારીઓએ લોકોનો રોષ પારખી તાબડતોબ કામ શરૂ કરી દેતાં મામલો થાળો પડયો હતો. ત્યારે આજે સવારે ૧૧ વાગ્યે મોટી સંખ્યામાં સોસાયટીઓની મહિલાઓ અને પુરુષો બાવળા નગરપાલિકા કચેરીમાં આવીને નગરપાલિકા કચેરી બાનમાં લીધી હતી. આ સમયે ધોળકા પ્રાંત અધિકારી, ધોળકા ડીવાયએસપી, સહિત જિલ્લાભરની પોલીસ આત્મોવિલોપનની ચીમકીને લઈ ખડકી દેવામાં આવી હતી. ૧૦૮ની ટીમ પણ ખડે પગે રાખવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સહિતનાઓ હાજર નહીં મળતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો.
પ્રાંત અધિકારી અને ધોળકા ડીવાયએસપીએ ઉપરવાસનું પાણી આવી રહ્યું છે, આગળ પણ મોરૈયા અને ચાંગોદર વિસ્તારના ઔધોગિક એકમોમાં ભરાયેલા પાણી બાવળા તરફ આવી રહ્યા છે. સોસાયટીઓમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ પાછળથી પાણીની આવક ચાલુ જ છે જેથી બીજા કોઈ વિસ્તારોને પણ હાલાકી ના પડે અને તમારા વિસ્તારમાંથી પણ પાણી નિકાલ થાય તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.
પાલિકાએ બાંહેધરી આપી પણ મર્યાદાનો ઉલ્લેખ ન કર્યો
રહીશો સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવાની હઠ પકડી લેખિતમાં બાંહેધરી માંગતા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરે લેખિતમાં સુરક્ષા દિવાલ, બોક્ષ ગટરના કામે તથા નાળાની તાત્કાલિક સફાઇ કરવાની બાંહેધરી આપી હતી. જોકે બાંધેરી પત્રમાં રહીશોની સમસ્યા કેટલા દિવસમાં ઉકેલાશે તેને લઇ સમય મર્યાદા આપવામાં આવી નથી. જેથી રહીશો જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન-વિરોધ કરતા રહીશું.
પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સીએમ સમક્ષ હાજર થવા તેડું
રત્નદીપ સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો પાલિકા કચેરીમાં આત્મવિલોપન કરવા પહોંચ્યા ત્યારે બાવળા નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સીએમ સાહેબનો ચીફ ઓફિસર પર ફોન આવ્યો હતો મારે તથા ચીફ ઓફિસરને શહેરમાં ભરાયેલા પાણી સહિતની સમસ્યાને લઈ હાજર થવાનું છે.
108 સોસાયટી સુધી પહોંચી નહીં શકતા ટ્રેકટરની મદદ લેવાઇ
બાવળાની રત્નદીપ સોસાયટી પદ્માવતી ફ્લેટમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને ઘરવખરી પણ પલળી ગઈ છે તેમના જીવન પર ભારે અસર પડી છે. આ વિસ્તારમાં ઈમરજન્સી સેવા મેળવવામાં પણ માલિકી પડી રહી છે. પદ્માવતી ફ્લેટમાં એક બાળક પડી જતા તેને ઇજાઓ થતા ૧૦૮ બોલાવવામાં આવી હતી. જ્યારે બાવળા ૧૦૮ પદ્માવતી ફ્લેટએ પહોંચી ત્યારે સોસાયટીમાં પાણી ભરાયેલા હોવાથી ટ્રેક્ટર મારફતે બાળકને બહાર લાવવામાં હતો ત્યારબાદ ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા ઈમર્જન્સી સેવામાં પણ પારાવાર હલાકી પડી રહે છે ત્યારે જો કોઈ બનાવ બને ને સમયસર તેમને આરોગ્ય સેવાઓ ન મળે અને મોત નીપજે તો જવાબદાર કોણ એવા પણ સોસાયટીના રહીશોમાં સવાલ ઉઠી રહ્યા છે