માંડલમાં વારંવાર વીજળી ડૂલ થતા નગરજનો ભારે પરેશાન
યુજીવીસીએલની
બેદરકારીના લીધે
અવારનવાર
વીજ ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા વૉલ્ટેજ વધઘટથી ઉપકરણોને નુકસાન
માંડલ
- માંડલ નગરમાં વારંવાર વીજકાપ, રાતે લાઈટો ડૂલ થતા
નગરજનો ભારે પરેશાન બન્યા છે. અવારનવાર વીજ ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા વીજ
વૉલ્ટેજ વધઘટના લીધે ઉપકરણો બળી જવાથી ગ્રાહકોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
ત્યારે વીજ તંત્ર પૂરતો વીજ પુરવઠો પૂરો પાડે તેવી માંગણી ઉઠી છે.
માંડલ
નગરમાં હજુ વરસાદી સીઝનની શરૃઆત પણ નથી થઈ એ પહેલાં યુ.જી.વી.સી.એલ તંત્રની
બેદરકારી સામે આવી છે, શહેરમાં દરવર્ષે ઉનાળામાં વીજતંત્ર દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં
આવતી હોય છે પરંતુ વરસાદી સીઝનમાં લાઈટો ડ્રલ થવાની સ્થિતી યથાવત રહે છે. હજુ
વરસાદ નહીં હોવાને લઈ નગરમાં લોકોને ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે
એવામાં શહેરમાં સપ્તાહની અંદર વારંવાર ટેકનિકલ કારણોસર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી
નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સાંજે બેથી ત્રણ વખત લાઈટો
ડુલ થઈ, રાત્રે પણ ચારથી પાંચ વખત વીજ પુરવઠો ખોરવાયો અને
વળી ગુરુવારની સવારે પણ શહેરના લગભગ બધાં જ વિસ્તારોમાં બેથી ત્રણ કલાક વીજ પ્રવાહ
બંધ રહેવા પામ્યો હતો. જેને લઈ વેપારી, દુકાનદારો અને
રહેવાસીને પરેશાન બન્યા હતા. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના એસી, ફ્રીજ સહિતના વીજ ઉપકરણો બળી જતા ગ્રાહકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો
હતો.
વાલ્મિકી
વિસ્તારમાં પૂરતો વીજ પૂરવઠો ન આવવાની રાવ
શહેરના
વાલ્મિકી વિસ્તારના રહીશોની પણ રાવ છે કે,
અમારા વિસ્તારમાં પુરતાં વોલ્ટેજ નથી મળતાં, ઘરોમાં
લાઈટ, પંખા કામ નથી કરી રહ્યાં જેને પગલે આ કાળઝાળ ગરમીમાં
રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટી વિસ્તારો, બજાર વિસ્તારો એવા નગરના લગભગ તમામ વિસ્તારોમાં બપોરના સમયે અને રાત્રીના
સમયે કાળઝાળ ગરમીને લઈ એ.સી ચાલતાં હોય છે, વળી અન્ય
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ સાથે ચલાવતાં હોવાને લઈને પણ વોલ્ટેજ વધઘટ થવાની તકલીફો
રહે છે. નગરજનોની માંગ છે કે, વીજતંત્ર દ્વારા શહેરમાં પુરતો
પુરવઠો આપવામાં આવે.