વીજ કંપનીની કચેરી પર પહોંચી લેકાવાડા ગામના રહેવાસીઓ ધરણા પર બેસી ગયાં

પાંચ વર્ષથી પાવર કટ થવાની સમસ્યાથી થાકીને
ગરમીના દિવસો ત્રાહિમામ થઇને પસાર કર્યા હવે ચોમાસામાં પણ સ્થિતિ વણસવા છતાં વીજ તંત્ર નહીં જાગતાં લોકો વિફર્યા
ગાંધીનગર : રાજ્યના પાટનગરથી નજીકના ગામ લેકાવાડામાં છેલ્લા પાંચ વર્ષથી છશવારે પાવર કટ થવાની સમસ્યાથી હેરાન, પરેશાન થઇ ઉઠેલા ગ્રામવાસીઓ અનેક રજુઆતો બાદ પણ ઉકેલ નહીં આવતા વીજ કંપનીની કચેરીએ આવીને ધરણા પર બેસી ગયા હતાં. વીજળીની આવન જાવનના કારણે ઉપકરણોનું નુકશાન વેઠી રહેલા લોકો ગરમી બાદ ચોમાસામાં પણ સ્થિતિ વણસવા છતાં વીજ તંત્ર નહીં જાગતાં લોકો વિફર્યા હતાં.
વીજળીની સમસ્યાથી ત્રસ્ત થઇ ચૂકેલા લેકાવાડા ગામના રહેવાસીઓ
દ્વારા જણાવવામાં આવ્યું કે વીજ તંત્રની ડીપીમાં ગમે ત્યારે ફોલ્ટ આવી જાય છે.
તેના કારણે ગામના રહેવાસીઓના ઘરમાં ઇલેકટ્રીક ઉપકરણો બળી જવાના અને ઉડી જવાના
કારણે નુકશાની ઉઠાવવાની આવે છે. આ સંબંધમાં લાંબા સમયથી રજુઆતો અને ફરિયાદો
કરવામાં આવી રહી છે. પરંતુ યુજીવીસીએલના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આ
સંબંધે ચિલોડામાં આવેલી વીજ કંપનીની કચેરી પર ગામનો વીજ વપરાશ તપાસીને તે પ્રમાણે
વીજ નેટવર્ક ગોઠવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. જેના પગલે કેટલાક
લોકોની અરજીઓ લેવામાં આવી હતી. પરંતુ મોટાભાગના રહેવાસીઓના ફોર્મ ભરવામાં આવ્યા
નથી. ગરમીના દિવસો ત્રાહિમામ હાલતમાં પસાર કર્યા પછી ચોમાસામાં પણ જૈસે થે
પરિસ્થિતિ રહેતા આખરે ગ્રામવાસીઓએ કચેરી પર પહોંચીને ધરણા કર્યા હતાં.








