એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો
ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળતા લોકોનું ચાલવું મુશ્કેલ બન્યું

એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો મોરચો કોર્પોરેશનની વોર્ડ નં. 5ની કચરી ખાતે ઘસી ગયો હતો. જો કે, કોર્પોરેશનમાં અધિકારી હાજર ન મળતા રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

આજવા રોડ પર આવેલા એકતા નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે. માર્ગ પર સતત ડ્રેનેજનું પાણી ફરી વળતાં સ્થાનિક રહીશોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. લોકો માટે આવન-જાવન કરવું મુશ્કેલ બન્યું છે તો કેટલાક ઘરોમાં પણ ગંદુ પાણી બેક મારી રહ્યા છે. આ સમસ્યાથી ત્રસ્ત રહીશો આજે વોર્ડ નંબર 5ની કચેરી ખાતે ધસી ગયા હતા. પરંતુ કચેરીમાં કોઈ અધિકારી હાજર ન મળતાં નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રહીશોએ કોર્પોરેશન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ડ્રેનેજ ઉભરાવાથી વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આરોગ્યની ચિંતાઓ વધી ગઈ છે. લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. જો કોર્પોરેશન વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવશે નહીં તો રહીશો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.