Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો કકળાટ સર્જાયો છે. જેના કારણે અહીંના લોકોએ માટલા ફોડી તંત્ર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડના દત્તનગર ખાતે છેલ્લા દસેક દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ માટલા ફોડી પોતાનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેનું નિવારણ લાવી શકતું નથી. આ અંગે સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરી હોવા છતાં તેઓ કોઈ જવાબ આપી રહ્યા નથી. તો કેટલાક કાઉન્સિલરો તો ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. તંત્ર દ્વારા અહીં માત્ર બે ટેન્કર પાણી પૂરું પાડવામાં આવ્યું છે, જેથી પાણી મેળવવા રહીશો વચ્ચે અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે. તંત્રના પાપે પાડોશીઓના સંબંધ વિખરાઈ રહ્યા છે. મહિલાઓએ આજે માટલા ફોડી તંત્ર સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.


