ધ્રાંગધ્રાના નિમકનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હોડીનો સહારો લેવો પડયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી સાંજે વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારથી શરૂ થયેલી વરસાદની હેલી રવિવારે પણ થયાવત રહી હતી. મોડી સાંજે સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદનું આગમન થયું હતું તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાતા લોકોએ એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી. બીજી તરફ ધ્રાંગધ્રાના નિમકનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હોડીનો સહારો લેવાની ફરજ પડી છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી લખતરના સાકર ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો દસાડામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેરઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં જુલાઇ માસની શરૂઆતના પ્રથમ શરૂઆત વરસાદની ધમાકેદાર થઇ છે. જેમાં ગુરૂવારે શરૂ થયેલો વરસાદ સતત ચોથા દિવસે પણ માહોલ યથાવત રહ્યો હતો. રવિવારે સતત ચોથા દિવસે સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદનું આગમન થયું હતું. સુરેન્દ્રનગર શહેર સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાતા લોકોએ એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી.
ધ્રાંગધ્રા તેમજ ઉપરવાસમાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે નિમકનગરના ગંજ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક પરિવારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો સહિત વિદ્યાર્થીઓને અવર-જવર કરવામાં પણ હાલાકી પડી રહી છે ત્યારે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનીક રહિશો અને બાળકો સહિત લોકોને હોડીનો સહારો લેવાની નોબત આવી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. લખતર તાલુકામાં સારા વરસાદના કારણે તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણી છેવાડાના સાકર ગામની અંદર આવેલા નવાપરા વિસ્તાર, મેણીયાવાસ જેવા અનેક વિસ્તારોની અંદર આવેલા રહેણાંક મકાનોની તેમજ શેરીઓમાં આજે સવારથી વરસાદી પાણી ફરી વળ્યા હતાં. પાણી જવાનાં માર્ગ ઉપર આડેધડ માટીનું બુરાણ કરવામાં આવતા દર વર્ષે ગ્રામજનોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સાકર ગામના રહીશોની માંગ ઉઠવા પામી છે.
દસાડા તાલુકામાં શનિવારે રાત્રે માત્ર ચાર કલાકમાં અંદાજે બે ઈંચથી વધુ ધોધમાર વરસાદ વરસતા દસાડાના ઈન્દીરાનગર, પાતાળીયાવાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનીક રહિશો સહિત લોકોની હાલત કફોડી બની હતી અને તંત્ર દ્વારા તાત્કાલીક વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.