સુરેન્દ્રનગર બાયપાસ રોડ પરની 5 સોસાયટીના રહીશોને હાલાકી
ભારે કરી... ૧૦ દિવસ છતાં વરસાદી પાણી નહીં ઓસરતા
વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તંત્રને અનેકવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ
સમસ્યાનો તાકિદે નહીં ઉકેલાય સોસાયટીમાં નેતાઓની પ્રવેશબંધીની ચિમકી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની શરૃઆતથી જ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની ફરિયાદો ઉઠતાં મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. સુરેન્દ્રનગર શહેરમાં હાલ છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે તેમ છતાંય સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં રતનપર બાયપાસ રોડ પર આવેલ ચામુંડાપરા, વૃંદાવન સોસાયટી, મેલડીપરા સહીતના વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે.
આ વિસ્તારમાં અંદાજે ૧૦,૦૦૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો તેમજ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સતત ભરાયેલા રહેતા વરસાદી પાણીમાં ગટરોનું ગંદુ પાણી મિશ્ર થતાં માખી મચ્છરોના ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય છે.
ઘેર ઘેર માંદગી ફેલાઈ હોવાનો તેમજ મેડિકલ ઇમર્જન્સીમાં ૧૦૮ પણ સોસાયટીમાં અંદર ન આવી શકે તેવી પરિસ્થિતિ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી છે. તેમજ આગામી સમયમાં આ વિસ્તારમાં રાજકીય આગેવાનોને પ્રવેશબંધી તેમજ મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.