- અનેક રજૂઆત છતાં જવાબદારોના આંખ આડા કાન
- પાણીના કારણે રસ્તા પણ બિસ્માર : રોષે ભરાયેલા રહિશો દ્વારા અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો
ખેડા : નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામે વીજકચેરીની ઓફિસની બાજુમાં આવેલી શ્રીજી પૂજન બંગલોઝ, પદ્માવતી રેસીડેન્સી અને પુષ્પવિહાર રેસીડેન્સીના રહિશો ઘણા સમયથી ઊભરાતી ગટરોના પાણીમાંથી ત્રસ્ત બન્યા છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા ઉકેલાય તેવી માંગ ઉઠવા પામી છે.
નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામે વીજકચેરીની ઓફિસની બાજુમાં આવેલી ત્રણ સોસાયટીઓના રહિશો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઊભરાતી ગટરના કારણે ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. અહીં આવેલી શ્રીજી પૂજન બંગલોઝ, પદ્માવતી રેસીડેન્સી અને પુષ્પવિહાર રેસીડેન્સીના રહીશો દ્વારા ઘણા સમયથી ઊભરાતી ગટરોના ગંદાપાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ મામલે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
દિવસ દરમિયાન મહિલાઓ શાકભાજી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા, બાળકો શાળાએ જવા અવરજવર કરતા હોવાથી બીમારીથી બચવા-બચાવવા સ્થાનિકોએ પોતાના ખર્ચે ગટરલાઇનની સાફ સફાઈ કરાવી હતી. પરંતુ જૂની લાઇન આગળ ચોકઅપ હોવાથી તેમણે ખર્ચેલા નાણાં વ્યર્થ ગયા અને આજે એજ નર્ક જેવી સ્થિતિ છે. આ સાથે ગટરના સતત ઊભરતા પાણીના કારણે રોડ રસ્તા પણ બિસ્માર થઈ ગયા છે. રોષે ભરાયેલા રહિશો દ્વારા અગાઉ ચુંટણી બહિષ્કાર પણ કર્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આ વિસ્તારના રહિશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ ગટર અને રસ્તાના પ્રશ્નનો નિવેડો લાવે તેવી માંગ ઉઠવા પામી છે.


