સિહોરમાં ધૂળિયા રસ્તાથી રહિશો ત્રસ્ત, ચક્કાજામ કરી વાહન વ્યવહાર થંભાવ્યો
- વડલા ચોકથી ટાણા ચોકડી સુધી આરસીસી રોડના કારણે ડાયવર્ઝન અપાયું
- પોલીસ કાફલાએ દોડી જઈ સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો, ડાયવર્ઝન પર ડામર રસ્તો બનાવવા રહિશોની માંગ
સિહોરમાં તંત્ર દ્વારા અંતરિયાળ સોસાયટીમાંથી ડાયવર્ઝન રૂટ કાઢવામાં આવ્યો છે. ડાયવર્ઝન આપતા પહેલા રસ્તાની કોઈપણ પ્રકારની મરામત કે ડામર પાથરવામાં ન આવતા વાહનોની અવર-જવરના કારણે ધૂળ ઉડી રહી છે. જેથી આ રૂટ પર આવેલી શિવશક્તિ સોસાયટી, પુનિતનગર, કૈલાસનગર, શ્રીજીનગર, આંજનેય પાર્ક, વૃંદવાન, પીપળિયાની નળ વિસ્તાર, કેશવ પાર્ક સહિતની આઠથી નવ સોસાયટીના લોકો ઉડતી ધૂળના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ધૂળ ઉડવાને કારણે નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. અગાઉ આ બાબતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રસ્તાનું રિપેરીંગ કામ કરવાની માંગ કરાઈ હતી. પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આજે સોમવારે રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરી લોકોના આરોગ્યને હાનિ પહોંચે તો કોણ જવાબદાર ? તેવો સવાલ કરી કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડ બનાવવાની માંગણી ઉચ્ચારી હતી. દરમિયાનમાં ચક્કાજામની જાણ થતાં પોલીસ કાફલો તાબડતોડ સ્થળ પર ધસી આવ્યો હતો અને લોકોને સમજાવ્યા બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.