સેવાસી પીએમ આવાસ યોજનાના રહીશો બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત
સોસાયટીમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને દૂષિત પાણીમાંથી પસાર થવાની નોબત આવી
સેવાસી ખાતે પીએમ આવાસ યોજના બાજપાઈ નગર એકમાં પાછલા બે વર્ષથી અવારનવાર ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની સમસ્યા હોય તીવ્ર દુર્ગંધયુક્ત દૂષિત પાણી સોસાયટીમાં ફરી વળતા રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.
વોર્ડ નં. 9માં સમાવિષ્ટ દિનદયાલ નગર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના બાજપાઈ નગર 1 ખાતે અંદાજે 400થી વધુ આવાસો આવેલા છે. અહીં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ગટર ચોકઅપ થવાની સમસ્યા છે. જેથી દુર્ગંધયુક્ત ગટરના પાણી સોસાયટીમાં ફરી વળ્યા હોય આ પરિસ્થિતિમાં રહીશો જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. સોસાયટીમાં ઘણા સમયથી પાણીનો ભરાવો રહેતા તેમાંથી પસાર થતા અનેક લોકો પટકાઈ રહ્યા છે. સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનુ કાયમી નિરાકરણ આવી રહ્યું નથી. તાજેતરમાં રહીશોએ તંત્ર સામે વિરોધ પણ દર્શાવ્યો હતો. નવી ડ્રેનેજ લાઈન વહેલી તકે નાખવા રહીશોની માંગ હતી.