શહેરમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે ત્યારે સયાજીપુરા પાણીની ટાંકીની આસપાસ રહેતા રહીશોને જ પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો છે. પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિક રહીશોએ આજે પાણીની ટાંકી ખાતે ધસી જઈ મ્યુનિ. કોર્પોેરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કોર્પોરેશનમાં 'ટેન્કર રાજ' ચાલી રહ્યું હોવાના આક્ષેપો કર્યા છે.
રહીશોના જણાવ્યા મુજબ ટાંકીની નજીક આવેલી દર્શનમ રેસીડેન્સી, શ્રીજી આશ્રય ફ્લેટ સહિતની સોસાયટીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ તરફથી પાણીની આવક ઓછી હોવાનું કારણ આપવામાં આવે છે. બીજી તરફ ટાંકી ખાતે ટેન્કરોમાં પાણી ભરવા માટે અલગ પાઇપલાઇન ઉભી કરવામાં આવી હોવાનું અને તે ૨૪ કલાક સતત ચાલુ રહેતી હોવાનો સ્થાનિકોનો દાવો છે.
વિવાદ વચ્ચે પાણીની ટાંકી ખાતે ફરજ બજાવતા એન્જિનિયરે જણાવ્યું કે ટાંકીમાંથી પાણી ભરીને બહાર જતા દરેક ટેન્કરની નોંધણી કરવામાં આવે છે. જોકે નોંધણીની જવાબદારી સંભાળતા સિક્યુરિટી ગાર્ડે વિપરિત નિવેદન આપતાં કહ્યું કે હાલમાં આવી કોઈ નોંધણી પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તે બંધ છે. બંનેના વિરોધાભાસી નિવેદનોથી મ્યુનિ.કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વિપક્ષ અગાઉ પણ ટેન્કરો ગેરકાયદે શહેરની બહાર સુધી પાણી પહોંચાડતા હોવાના આક્ષેપ કરી ચૂક્યો છે. હાલની ઘટનાએ ટેન્કર વ્યવસ્થામાં ભ્રષ્ટાચારની ગંધ વધુ ઘેરી બનાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે ટેન્કર રાજના પુરાવા રૃપે વિડિયો મ્યુનિ. કમિશ્નરને મોકલ્યાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ નથી.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે ઓછા પ્રેશરના કારણે ઘરના પાણીના ટાંકાઓ ભરાતા નથી. નિયમિત વેરો ભરવા છતાં પીવાના પાણી માટે રૃા. ૬૫૦ ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. રહીશોના મતે અહીંથી ટ્રેક્ટર મારફતે પાણી વિતરણની પ્રથા શરૃ થયા પછીથી જ પાણીના પ્રેશરની સમસ્યા વકરી છે.


