પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં
પાણી પુરવઠા તંત્ર અને પાટનગર યોજના વિભાગના સંકલનનો અભાવ
પુરવઠા તંત્રએ સરિતા વોટર વર્ક્સમાં પાણી નહીં ભરતા વિભાગ પાણી આપી શક્યું નહીં ઃ શ્રાવણ મહિનામાં લોકોને પાણી માટે રઝળપાટ
આ અંગે વિભાગના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર પાણી
પુરવઠા તંત્રના અધિકારીઓની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી અને અહીં બે નવા
અધિકારીઓ આવ્યા હતા જેમણે ૨૪ કલાક પાણીની કામગીરી સરીતાના વોટર વર્કસ ખાતે આગળ
ધપાવી હતી જે અંતર્ગત જુના ફિલ્ટરેશન અને નવા ફિલ્ટર પ્લાન્ટને કમ્બાઇન્ડ કરવામાં
આવનાર હતો તે દરમ્યાન પાણીની લાઇન તૂટી ગઇ હતી. જેથી પાણી પુરવઠો ભરી શકાયો ન હતો.
આ અંગે પાટનગર યોજના વિભાગને જાણ ન હતી જેથી આજે શુક્રવારે સવારે પાણી પુરવઠો આપી
શકાયો ન હતો. આમ, બન્ને
તંત્રની બેદરકારીને કારણે ગાંધીનગરના નવા સેક્ટરો આજે તરસ્યા રહ્યા હતા. કોઇ પણ
પ્રકારની જાણ કર્યા વગર જ પાણી નહીં આપવાને કારણે રહિશોને ભારે મુશ્કેલીનો સામનો
કરવો પડયો હતો. સ્કૂલે જતા વિદ્યાર્થીઓથી લઇને ઓફિસે જતા કર્મચારીઓ અને શ્રાવણ
માસમાં ભોળેનાથને જળ ચઢાવતા ભક્તોને પાણી નહીં આવતા હેરાન થવાનો વારો આવ્યો હતો.
જ્યારે ગૃહિણીઓમાં પણ આજે સવારે પાણીનો કકળાટ સાંભળવા મળતો હતો.
કોઇ પણ જાણ કર્યા વગર પાણી પુરવઠો નહીં આપવાને કારણે નવા
સેક્ટરોમાં ફરી ટેન્કરો દોડાવવાની નોબત આવી હતી. વસાહતીઓએ પોતાની જરૃરીયાત પ્રમાણે
ટેન્કરો બોલાવ્યા હતા.તો આવી સ્થિતિમાં પણ રહિશોને કેમ પાણી આપવામાં આવ્યું નથી
અને ક્યારે આપવામાં આવશે તે અંગે કોઇ જ સંદેશો કોર્પોરેશશન કે પાટનગર યોજના વિભાગ
દ્વારા આપવામાં આવ્યો ન હતો જેના કારણે પણ રહિશોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી.
વસાહતીઓમાં પાણીનો કકળાટ કોર્પોરેટરો ફોન નહીં ઉપાડતા રોષ
ગાંધીનગરના નવા સેક્ટરોમાં શુક્રવારે પાણી પુરવઠો આપવામાં આવ્યો ન હતો જેના કારણે રહિશોની દિનચર્યા ઉપર અસર પડી હતી. સવાર સવારમાં પાણીનો કકળાટ ઉભો થયો હતો ત્યારે પાણી બંધ રહેવા અંગે કોઇ જાણ કરવામાં નહીં આવતા રહિશોએ જે વોટ્સએપ ગૃ્રપમાં કોર્પોરેટરો છે તે ગૃ્રપોમાં મેસેજ મુક્યા હતા એટલુ જ નહીં, ઘણા રહિશોએ તો કોર્પોરેટરોને ફોન પણ કર્યા હતા પરંતુ કેટલાક કોર્પોરેટરોએ ફોન ઉપાડયા ન હતા તો કેટલાક કોર્પોરેટર પાણી કેમ નથી આવ્યું અને ક્યારે આવશે તે અંગે કોઇ જવાબ આપી શક્યા ન હતા.જેના કારણે પણ રહિશો-મતદારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.