Gujarat

રિસેટ વેલ્થ કંપનીનું રૂા 5.91 કરોડનું કૌભાંડ, અંતે ગુનો નોંધાયો

By GS TEAM
22 Jul 20253 mins read
રિસેટ વેલ્થ કંપનીનું રૂા 5.91 કરોડનું કૌભાંડ, અંતે ગુનો નોંધાયો

5થી 7 ટકા વળતરની લાલચ આપી

શરૂઆતમાં વળતર ચુકવી વિશ્વાસ કેળવી લીધા બાદ શીશામાં ઉતાર્યા, 41 રોકાણકારોનાં નાણાં ફસાયા

રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર આર.કે. એમ્પાયર બિલ્ડીંગનાં છઠ્ઠા અને સાતમાં માળે સ્થિત ઓફિસમાં કાર્યરત રિસેટ વેલ્થ કંપનીનાં સંચાલક સંજય લાલજી માંગરોલીયાએ રોકાણકારોને માસિક ૫ થી ૭ ટકાનું વળતર આપવાની લાલચ આપી ૪૧ રોકાણકારોનાં રૂા ૫.૯૧ કરોડ ઓળવી લીધાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ઠગાઇનો આંક હજુ પણ વધે તેવી શક્યતા પોલીસે દર્શાવી છે. 

પોલીસે બીએનએસની કલમ ૩૧૮(૪) અને જીપીઆઈડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. નાનામવા ગામે રહેતા મૂળ પડધરીનાં વચલીઘોડી ગામનાં ખેડૂત નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૫૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૨૦મી સાલમાં સગા સંબંધીઓ મારફત રિસેટ વેલ્થ કંપની વિશે જાણ થઈ હતી. 

જેથી ૨૦૨૦ની સાલમાં પત્ની રમીલાબા સાથે કંપનીની ઓફિસે ગયા હતાં. તે વખતે તેનાં સંચાલક સંજયે કહ્યું કે હું તમને તમારા રોકાણનાં બદલામાં ઓછામાં ઓછું ૫ ટકા અને વધારેમાં વધારે ૭ ટકા સુધીનું વળતર આપીશ. અમારી કંપનીમાં ઓછામાં ઓછું ત્રણ માસ સુધી રોકાણ રાખવું પડશે. 

આ વાતચીત બાદ પોતાનાં અને પત્નીનાં નામે રૂા ૧.૫૦, રૂા ૧.૫૦ લાખ મળી કુલ રૂા ૩ લાખનું રોકાણ કર્યું હતું. બદલામાં સંજયે દર મહિને ઓછામાં ઓછું ૫ થી ૭ ટકા વળતર મળશે તેવું લખાણ પણ કરી આપ્યું હતું. આ રોકાણ બાદ દર મહિને તેમનાં અને પત્નીનાં ખાતામાં ઓનલાઈન વળતરની રકમ જમા થવા લાગી હતી. જેને કારણે વિશ્વાસ બેસી જતાં કટકે કટકે પોતે વધુ રૂા ૧૩ લાખનું અને પત્નીનાં નામે વધુ રૂા. ૧૪ લાખનું રોકાણ કર્યું હતું. જેમાંથી રૂા ૪ લાખ શેરમાં રોકયાનું સંજયે જણાવ્યું હતું. ત્યારબાદ સાસુ જનકબા વાઘેલાએ રૂા. ૧૧ લાખનું અને પુત્રી આરતીબાએ રૂા ૧૦ લાખનું રોકાણ કર્યું હતુ.ં તમામને દર મહિને ઓનલાઈન વળતરની રકમ મળતી હતી.

૨૦૨૫નાં ફેબુ્રઆરી માસથી અચાનક વળતરની રકમ મળવાનું બંધ થઈ જતાં સંજયનો તેના મોબાઈલ પર સંપર્ક કરતાં કોલ રિસિવ કર્યો ન હતો. એટલું જ નહીં હવે તમારે ફોન ન કરવો, તમારૂં વળતર ચાલુ થઈ જશે તેવો મેસેજ કર્યો હતો. આ રીતે તેમણે અને પરિવારનાં સભ્યોએ રૂા ૫૪ લાખ રોક્યા હતાં.જે રકમની ઠગાઈ થઈ હતી. એટલું જનહીં સંજયે રકમ ન ચુકવવી પડે તે માટે ઓફિસ પણ બંધ કરી દીધી હતી. તમામ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા હતાં.

આ જ રીતે અન્ય રોકાણકારો સાથે પણ ઠગાઈ કરી હતી. જેને ફરિયાદમાં પોલીસે સાક્ષી બનાવાયા  છે. છેલ્લા ઘણાં સમયથી આ કૌભાંડ ચાલતું હતું. આખરે ભોગ બનનાર રોકાણકારોએ પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. જેના આધારે ગઈકાલે રાત્રે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઉંચા વળતરની લાલચ આપી આ અગાઉ પણ સંખ્યાબંધ રોકાણકારો સાથે ઠગાઈ થઈ ચૂકી છે. આમ છતાં રોકાણકારો ઉચા વળતરની લાલચમાં ગઠીયાઓ દ્વારા બીછાવાતી  જાળમાં ફસાતા જ રહે છે. ગંભીર બાબત એ છે કે આ પ્રકારનાં લાખો, કરોડોનાં આર્થિક કૌભાંડો કરનારા ગઠીયાઓ વહેલા મોડા પકડાઈ પણ જાય છે. પરંતુ મોટાભાગે રોકાણકારોને ગુમાવેલી રકમ પરત મળતી નથી. આ સ્થિતિમાં માત્ર કૌભાંડકાર પકડાઈ ગયાથી બાબતથી રોકાણકારોએ સંતોષ માની લેવો પડે છે.