VIDEO: વડોદરાના ગામડાઓમાં મગર દેખાતા ડરનો માહોલ, બિલ ગામે કાર નીચેથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ
Crocodile in Vadodara: વડોદરા નજીક આજે વહેલી સવારે વધુ એક મગરના બચ્ચાનું રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરમાં ચોમાસા દરમિયાન મગરો બહાર નીકળી આવવાના બનાવો સતત ચાલુ રહ્યા છે. બિલ ગામે આવેલી કાંસા લીખસાઈટ રેસિડેન્સી ખાતે આજે સવારે આવી જ રીતે મગરનું એક બચ્ચું આવી ગયું હતું અને લોકોને જોઈ ગભરાઈને કારની નીચે ભરાઈ ગયું હતું. સ્થાનિક રહીશોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા જીગ્નેશ પરમારની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત સ્થાને છોડવા માટે તજવીજ કરવામાં આવી હતી.
વડોદરાના સોખડા ખુર્દ ગામે પણ જોવા મળ્યો મહાકાય મગર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામમાં મહાકાય મગર જાહેર માર્ગ પર જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જે રસ્તા પરથી દરરોજ શહેરીજનો અને વાહનચાલકો પસાર થાય છે, ત્યાં મહાકાય મગર રસ્તા વચ્ચે આવી ચડ્યો હતો. હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને સતત ભયનો માહોલ અનુભવાઈ રહ્યો છે. હવે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવાની માગણી ઉઠી રહી છે.