વડોદરા નજીક વરણામા ગામે મંદિર પાસે આવી ગયેલા 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ

Vadodara Crocodile Rescue : વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં મગર આવી જતા હોવાના બનાવોનો સિલસિલો સતત જારી રહ્યો છે. ગઈ રાત્રે આવા જ એક બનાવમાં ગામના મંદિર સુધી આવી ગયેલા મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરા નજીક આવેલા વરણામા ગામમાં રહેણાંક વિસ્તારમાં મહાકાય મગરે દેખા દેતા લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ જીવ દયા કાર્યકરોને કરાતાં ફોરેસ્ટની ટીમ સાથે કાર્યકરોએ ભારે જહેમત બાદ 10 ફૂટના આશરે 150 કિલો ઉપરના વજનના મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને લઈ જવામાં આવ્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવા માટે તજવીજ કરવામાં આવી હતી. જીવદયા કાર્યકરોનું માનવું છે કે, ઠંડીને કારણે મગર ગરમ જણાતા વિસ્તારમાં આવી જતા હોય છે. કેટલાક બનાવવામાં મગર હાઇવે પર પણ આવી જતા હોય છે જેથી આ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે.

