ગેરંટીવાળા રોડનું રિપેરિંગ કોન્ટ્રાક્ટરે જ કરવું પડશે

વડોદરા,વડોદરામાં ૧૮ મીટરની પહોળાઈ ધરાવતા રોડની પાંચ વર્ષની ગેરંટી હોય છે. પાંચ વર્ષ દરમિયાન આવા રોડની મરામત જે તે કોન્ટ્રાક્ટરે કરવાની હોય છે. જો આવા ગેરંટીવાળા રોડ પર ખાડા પડયા હશે તો તે જે તે ઈજારદારે જ રિપેર કરવા પડશે, તેવું આજરોજ કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં કમિશનરે સ્પષ્ટપણે કહ્યું હતું.
માર્ગોનો સર્વે કરાવી એક સપ્તાહમાં રિપોર્ટ મેળવાશે ઃ લીકેજ રિપેર કરવા કઈ એજન્સીએ ખાડા ખોદયા તેની યાદી મગાવી
શહેરના માર્ગોનો સીઈઆઈએલ એજન્સી પાસે સર્વે કરાવીને તેનો રિપોર્ટ અઠવાડિયામાં આપવા કમિશનરે સૂચના આપી છે.
શહેરના વોર્ડ સ્તરે કે પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે રોડ બનાવ્યા હશે અને ત્યાં ખાડા પડયા હશે તો તે વોર્ડ કે પ્રોજેક્ટ દ્વારા રિપેર કરવા પડશે. કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા પાણી કે ડ્રેનેજ લાઈનના લીકેજ રિપેરિંગ માટે ખોદકામ કર્યા બાદ રોડ અગાઉ જેવો હતો તેવો ઈજારદારોએ જ બનાવી દેવા કહ્યું છે. શહેરના પૂર્વ ઝોનમાં પાણી અને ડ્રેનેજ લાઈનના લીકેજના ૮૧૫ સ્થળોની યાદી તેમજ કઈ એજન્સીએ લીકેજ રિપિરેંગ કરવા ખાડા ખોદયા તેની યાદી આપવા તાકીદ કરી છે.
તરસાલી બાયપાસ પાસે ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ છે અને તેના કારણે કેટલાક સ્થળે ખાડા પડતા તે પૂરી દેવા અને શહેરમાં ઘણા સ્થળે ડ્રેનેજનું કામ કર્યા બાદ ખાડા પડતા પાણી ભરાયા છે ત્યાં પણ પૂરાણની કામગીરી કરવા સૂચના આપી છે.









