નર્મદા કેનાલના પાળામાં મોટા ગાબડા પડતા સમારકામ માટે કાઉન્સિલરની કલેકટરને રજૂઆત
સરદાર સરોવર નિગમ લિમિટેડની ઓફિસ જર્જરિત હોવાનું જણાવી જમીનદોસ્ત કરવાની માંગ
નર્મદા કેનાલના પાળાનું ધોવાણ થતા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવા સાથે હેવી સેફ્ટી ગ્રીલ લગાવવા તેમજ સરદાર સરોવર નિગમ લિમિટેડની જર્જરીત ઓફિસ જમીનદોસ્ત કરવા કોંગ્રેસના કાઉન્સિલરે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.
કોંગ્રેસના મહિલા કાઉન્સિલરની રજૂઆત હતી કે, વોર્ડ નં. ૧ માં સમાવિષ્ટ છાણી ટી.પી.૧૩ તથા ટી.પી.૪૮ ખાતે નર્મદા કેનાલને સમાંતર ૩૦ મીટરનો રોડ આવ્યો છે. આ રોડ પર કેનાલ પર સેફ્ટી ગ્રીલ ન હોવાના કારણે અવાર નવાર નાગરિકો અકસ્માતે કેનાલમાં પડી જવાના બનાવો બને છે તથા લોકો ગંદકી કેનાલમાં નાંખી પાણી દુષિત કરે છે. જ્યારે ૩૦ મીટરનો રોડ માટીના ઢગલા અને ગંદકીના કારણે લોકો ઉપયોગ કરી શક્તા નથી. મહત્વનું છે કે, દશામાના મંદિરથી શુભ પાર્ટી પ્લોટ તરફ અનેક સ્થળોએ કેનાલની અંદર મોટા ગાબડા પડી ગયા હોય અતિગંભીર બાબત છે. કેનાલને સમાંતર બંન્ને બાજુના રોડની બંન્ને બાજુ સેફ્ટી ગ્રીલ લગાવી અને કેનાલની અંદરની કાયમી સફાઇ જરૂરી છે. અગાઉ પણ આ અંગે રજુઆતો કરી હોવા છતા કોઇ કાર્યવાહી થઈ નથી. જેથી તાત્કાલિક ધોરણે હેવી સેફ્ટી ગ્રીલની કામગીરી હાથ ધરવી જોઈએ. તદુપરાંત ટી.પી.૧૩ કેનાલ રોડ પર આવેલ સરદાર સરોવર નિગમ લિમિટેડની ઓફિસ ખુબજ બિસ્માર હાલતમાં હોય તાત્કાલિક ધોરણે ઓફિસને જમીનદોસ્ત કરવા જરૂરી કાર્યવાહીની માંગ છે.