Vadodara Gas Line Damage : વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક ડ્રેનેજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર નિષ્કાળજીથી ગેસ લાઇનની મુખ્ય લાઈનમાં ભંગાણથી શહેરના દોઢ લાખ જેટલા ગ્રાહકોને ભારે અસર થઈ હતી. પરિણામે કેટલાય પરિવારોના રસોડા ઠંડા રહેતા બહારથી બપોરે એને સાંજે જમવાનું મંગાવવા ફરજ પડી હતી. જોકે ગેસ લાઈનની ઊંડાઈને ધ્યાને લઈને શરૂ કરાયેલી રીપેરીંગ કાર્યવાહી રાત્રે પૂરી થતાં ગેસ પુરવઠો આજે વહેલી સવારે 7 વાગ્યાના સુમારે પુન: શરૂ થતા ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ લાઈનની પુશિંગ સિસ્ટમની કામગીરી કરાઈ હતી. દરજીપુરાથી એપીએસ સુધી ગ્રેવિટી લાઈન નાખવાની કામગીરી માટે હાઈવે ઓથોરિટીની મંજૂરી મેળવવાની કાર્યવાહી કરાઈ હતી. મંજૂરી મળતા જ પાલિકા દ્વારા માઈક્રો ટનલિંગ પદ્ધતિથી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી લગભગ શહેરને ગેસ પૂરો પાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટર પી. દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગંભીર નિષ્કાળજી ના કારણે ગેસની મુખ્ય લાઈનમાં ગેસ સ્ટેશન તા.30 સવારથી ભંગાણ સર્જાયું હતું. જોકે આ વખતે મુખ્ય લાઈનમાંથી ઊંચે સુધી ફુવારા ઉડતા ગભરાટભરી ભાગદોડ મચી હતી. પરિણામે સલામતીના કારણોસર ગેસ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવાતા શહેરના તમામ ગેસ રિફિલિંગનો પુરવઠો બંધ કરી દેવાતા અનેક વાહન ચાલકો પોતાના વાહનમાં ગેસના અભાવે હેરાન પરેશાન થઈ ગયા હતા.
આ અંગે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી આજે સોમવારે વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે લીકેજ ભારે જહેમત બાદ બંધ કરાયું હતું. ત્યારબાદ તમામ રીતની ચકાસણી બાદ આજે સોમવારે સવારે 7 વાગ્યાના સુમારે વડોદરા ગેસ કંપનીનો પુરવઠો પુનઃ શરૂ થયો હતો. જેથી રિફિલિંગ સ્ટેશનો પર રિક્ષાચાલકો, કારચાલકો સહિત અન્ય વાહન ચાલકોની પોતાના વાહન સાથે 2 કી.મી. જેટલી લાંબી કતારો લાગી ગઈ હતી.
જ્યારે બીજી બાજુ ગેસ પુરવઠો પુન: શરૂ થતા ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ગેસ લાઇનમાં ભંગાણ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે સત્તા પક્ષના માનીતા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેવાતા ગોલ્ડન ચોકડી પાસે ગેસની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો નાગરિકો વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ અંગે આજે બપોરના સુમારે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આ બાબતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુ દ્વારા જણાવાયું છે.
ગેસ પુરવઠો શરૂ ન થયો હોય કે લો પ્રેશર હોય તો ટોલ ફ્રી નંબર પર જાણ કરવી
શહેરમાં ગેસ પુરવઠો પૂરી પાડતી મુખ્ય લાઈનમાં ગોલ્ડન ચોકડી પાસે ભંગાણ સર્જાયુ હતું. જેની રીપેરીંગની કામગીરી કલાકો બાદ પૂરી થઈ છે. તમામ ચકાસણી બાદ તમામ જગ્યાએ ગેસ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. જેમાં તમામ રહેણાંક, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, ગ્રાહકો, તેમજ સીએનજી રિફિલિંગ સ્ટેશન ખાતે ગેસ પુરવઠો શરૂ કરી દેવાયો છે. આમ છતાં પણ કોઈ ગ્રાહકને હજી લો પ્રેસર કે પુરવઠો ચાલુ નહીં થયાંની ફરીયાદ હોય તો વડોદરા ગેસ લિમિટેડના ટોલ ફ્રી નંબર 1800 233 6048 ઉપર જાણ કરવા સહિત અસુવિધા બદલ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વ્યક્ત કરાઇ છે.


