- ડિસેમ્બર માસમાં મનપાએ તપાસ કરી 104 ફલેટ ધારકોને નોટિસ ફટકારી હતી
- 78 આવાસ ખાલી કરાવી સોસાયટીનું એનઓસી અને લાભાર્થીનું એફિડેવિટ લેવાયું
ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાવનગર શહેરના ફુલસર ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં.૩૦, શિવશક્તિ પાર્ક સામે ૨૫૬ આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે ગત તા. ૧૪ ડિસેમ્બર-ર૦રપમાં મહાપાલિકાના જુદા જુદા વિભાગની ટીમાએ સર્વે હાથ ધર્યો હતો. આ દરમિયાન કુલ- ૧૦૪ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફિલત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંકકર્તા ભાડુઆતને દિન-૦૩ માં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવી હતી. આ બાબતે એક માસ બાદ મહાપાલિકાના તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે અને ૧૦૪ ભાડુઆત પૈકી ૭૮ આવાસ ખાલી કરાવી સોસાયટીનું એનઓસી તેમજ મુળ લાભાર્થીનુ એફિડેવિટ લેવામાં આવ્યુ હતું. આજે શુક્રવારે તપાસ બાદ ર૬ આવાસને સીલ મારવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, પીએમએવાય યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે.


