Gujarat

રેસકોર્સમાં વર્ષોથી ચાલતી અનધિકૃત ફજર ચકરડીઓ હટાવવાનું શરૂ કરાયું

By GS TEAM
18 Jul 20252 mins read
રેસકોર્સમાં વર્ષોથી ચાલતી અનધિકૃત ફજર ચકરડીઓ હટાવવાનું શરૂ કરાયું

મનપા કે કલેક્ટર તંત્ર દ્વારા નાના ધંધાર્થી માટે કોઈ આયોજન જ નહીં  મંજુરી વગરની રાઈડમાં બેસનારની જવાબદારી ફીક્સ કરતા બોર્ડને હટાવીને રાજકોટ મનપાએ 24 કલાકમાં બોર્ડ બદલ્યું

રાજકોટ, : રાજકોટમાં વીસ લાખ નાગરિકો માટેના એકમાત્ર શહેરમધ્યે આવેલા સ્થળ રેસકોર્સ મેદાનમાં વર્ષોથી  ફજર ચકરડીઓ કોઈ ચકાસણી કે મંજુરી વગર જ ધમધમતી રહી છે અને આડેધડ ખડકાતી રહી છે. આ અંગે મનપાનું હવે ધ્યાન જતા આજે ફજર ચકરડીઓ હટાવવાનું શરૂ કરાયું છે. આ કાર્યવાહી દરમિયાન રાઈડધારકો સાથે રકઝક પણ થઈ હતી. ગઈકાલે આ સ્થળે મનપાએ વિવાદી ચેતવણી બોર્ડ  મુકીને આ ચકરડીમાં સલામતિની જવાબદારી બેસનાર ગ્રાહકોની રહેશે તેમ લખી નાંખ્યું હતું પરંતુ, આજે આ ભૂલ સમજાતા સુધારેલું નવું બોર્ડ મુકીને આ ચકરડીઓ મંજુરી વગરની છે તેમાં લોકોને નહીં બેસવા સૂચિત કરતું લખાણ લખાયું છે. 

જગ્યારોકાણ અધિકારી કેપ્ટન બારિયાએ જણાવ્યા મૂજબ રેસકોર્સનું આ મેદાન આગામી લોકમેળા માટે જિલ્લા કલેક્ટર તંત્રને સોંપવાનું છે અને ફજર ચકરડીઓને ત્યાં ઉભા રહેવા માટે તેમજ આ રાઈડમાં બેસનાર બાળકોની સેફ્ટી અંગે કોઈ મંજુરી કે એનઓસી નથી. લોકમેળા પછી પણ ફજર ચકરડી ત્યાં નિયમોનુસારની મંજુરીઓ મળ્યા બાદ જ ઉભી રહેવા દેવાશે. જિલ્લા કલેક્ટર કે મ્યુનિ.કમિશનર દ્વારા દર વર્ષે લોકમેળાના આયોજનની સાથે મેળાની આસપાસ ઉભા રહેતા સેંકડો ફેરિયાઓ અને ફજર ચકરડી જેવી મીની રાઈડ્સવાળા માટે કોઈ વ્યવસ્થા જ કરાતી નથી અને તેના કારણે વારંવાર ઘુસી જતા ફેરિયાઓ પાસે તોડ કરીને ભ્રષ્ટાચારની ગટર વહેતી રહેવાનું જોખમ પણ સર્જાય છે.