રેસકોર્સમાં વર્ષોથી ચાલતી અનધિકૃત ફજર ચકરડીઓ હટાવવાનું શરૂ કરાયું
મનપા કે કલેક્ટર તંત્ર દ્વારા નાના ધંધાર્થી માટે કોઈ આયોજન જ નહીં મંજુરી વગરની રાઈડમાં બેસનારની જવાબદારી ફીક્સ કરતા બોર્ડને હટાવીને રાજકોટ મનપાએ 24 કલાકમાં બોર્ડ બદલ્યું
રાજકોટ, : રાજકોટમાં વીસ લાખ નાગરિકો માટેના એકમાત્ર શહેરમધ્યે આવેલા સ્થળ રેસકોર્સ મેદાનમાં વર્ષોથી ફજર ચકરડીઓ કોઈ ચકાસણી કે મંજુરી વગર જ ધમધમતી રહી છે અને આડેધડ ખડકાતી રહી છે. આ અંગે મનપાનું હવે ધ્યાન જતા આજે ફજર ચકરડીઓ હટાવવાનું શરૂ કરાયું છે. આ કાર્યવાહી દરમિયાન રાઈડધારકો સાથે રકઝક પણ થઈ હતી. ગઈકાલે આ સ્થળે મનપાએ વિવાદી ચેતવણી બોર્ડ મુકીને આ ચકરડીમાં સલામતિની જવાબદારી બેસનાર ગ્રાહકોની રહેશે તેમ લખી નાંખ્યું હતું પરંતુ, આજે આ ભૂલ સમજાતા સુધારેલું નવું બોર્ડ મુકીને આ ચકરડીઓ મંજુરી વગરની છે તેમાં લોકોને નહીં બેસવા સૂચિત કરતું લખાણ લખાયું છે.
જગ્યારોકાણ અધિકારી કેપ્ટન બારિયાએ જણાવ્યા મૂજબ રેસકોર્સનું આ મેદાન આગામી લોકમેળા માટે જિલ્લા કલેક્ટર તંત્રને સોંપવાનું છે અને ફજર ચકરડીઓને ત્યાં ઉભા રહેવા માટે તેમજ આ રાઈડમાં બેસનાર બાળકોની સેફ્ટી અંગે કોઈ મંજુરી કે એનઓસી નથી. લોકમેળા પછી પણ ફજર ચકરડી ત્યાં નિયમોનુસારની મંજુરીઓ મળ્યા બાદ જ ઉભી રહેવા દેવાશે. જિલ્લા કલેક્ટર કે મ્યુનિ.કમિશનર દ્વારા દર વર્ષે લોકમેળાના આયોજનની સાથે મેળાની આસપાસ ઉભા રહેતા સેંકડો ફેરિયાઓ અને ફજર ચકરડી જેવી મીની રાઈડ્સવાળા માટે કોઈ વ્યવસ્થા જ કરાતી નથી અને તેના કારણે વારંવાર ઘુસી જતા ફેરિયાઓ પાસે તોડ કરીને ભ્રષ્ટાચારની ગટર વહેતી રહેવાનું જોખમ પણ સર્જાય છે.