રક્ષાબંધન પર્વ નિમિત્તે છેલ્લા દિવસે ઘરાકી નીકળતા વેપારીઓને રાહત
વડોદરાવાસીઓ આ વખતે રક્ષા બંધનના તહેવારની ઉજવણી કરવા માટે ઉતાવળા બન્યા છે તેના કારણે વડોદરાના રાખડી બજારમાં છેલ્લા દિવસે ઘરાકી નિકળતાં રાખડીના વેપારીઓમાં ખુશી જોવા મળી છે. સાથે સાથે મીઠાઈની માગમાં પણ વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં રાખડી બજારમાં ડબલ ઘરાકી નિકળતાં મંદીમાં અટવાયેલા વેપારીઓને રાહત થઈ છે.
ગત વર્ષે રક્ષા બંધન વખતે કોરોના સંક્રમણ વધુ હોવાથી મોટા ભાગની બહેનોએ ભાઈઓને રાખડી કુરીયર કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેરની આગાહી થઈ રહી છે પરંતુ વડોદરાવાસીઓ હવે કોરોનાને ભુલીને તહેવારની ઉજવણી કરે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રાખડીનો ધંધો લગભગ પડી ભાંગ્યો હતો અને માંડ ઘરાકી નિકળી હતી. આ વર્ષે ત્રીજી લહેરની આગાહી હોવાથી ર ાખડી બનાવનારાઓએ મર્યાદિત સ્ટોકમાં રાખડી બનાવી હતી પણ આ વખતે ઘરાકી નિકળી છે.
રાખડીનું વેચાણ કરનારા વેપારી કહે છે, કે ગત વર્ષે રાખડીના વેપારીઓની હાલત કફોડી હતી અને મંદીમાં ફસાયા હતા પરંતુ આ વર્ષે ઘરાકી નિકળતાં વેપારીઓને હાશકારો થયો છે. અને દર વર્ષ કરતા આ વર્ષે રાખડીઓમાં વેરાઈટી વધુ છે.ભાઇની રક્ષા કાજે રાખડીની ખરીદી કરવા નીકળેલી બહેનો બજારમાં રાખડીની અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જોઈ હરખમાં જોવા મળી હતી.તો બીજી તરફ રક્ષાબંધન પર્વે મીઠાઈ વગર અધૂરું છે ત્યારે ગણતરીના કલાકો અગાઉ મીઠાઈની ખરીદી અર્થે પણ ગ્રાહકો ઉમટી પડતાં વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.આમ ગત વર્ષની સરખામણીમાં રાખડી બજારમાં ડબલ ઘરાકી નિકળતાં મંદીમાં અટવાયેલા વેપારીઓને રાહત થઈ છે.