આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત, વડોદરા રેલવે સ્ટેશનનું ભારણ ઘટ્યું
image : Social media
Vadodara : આણંદ-ગોધરા વચ્ચેનો 78.80 કિલોમીટર લાંબો રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે. આનાથી વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે અને વધુ પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં મદદ મળી છે. સતત વ્યસ્ત રહેતા વડોદરા રેલવે સ્ટેશનનું ભારણ ઘટાડવા માટે, વડોદરા સ્ટેશનને બાયપાસ કરીને અમદાવાદથી રતલામ સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ વ્યવસ્થાના ભાગરૂપે, આણંદ-ગોધરા સુધીના 78.80 કિલોમીટર લાંબા ડબલિંગ પ્રોજેક્ટને પાંચ તબક્કાની કામગીરી પછી કાર્યરત કરવામાં આવ્યો છે. આથી, આણંદ-ગોધરાની સિંગલ લાઇન હવે ડબલ લાઇન બની ગઈ છે.
પ્રોજેક્ટમાં 13 સ્ટેશનનો સમાવેશ
માર્ચ મહિનાથી આ બંને લાઇનનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટને વર્ષ 2017-18માં મંજૂરી મળી હતી, અને તેની પાછળ અંદાજે રૂ. 726.52 કરોડનો ખર્ચ થયો છે. આણંદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં આણંદ, ઉમરેઠ, ડાકોર, સેવલિયા, ગોધરા સહિત 13 સ્ટેશનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2019માં અમદાવાદથી એક કાર્યક્રમ દરમિયાન આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
16.64 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી
આ પ્રોજેક્ટ માટે 11.6 હેક્ટર ખાનગી અને 5.58 હેક્ટર સરકારી જમીન મળીને કુલ 16.64 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી. આ લાઇન ઉપર 10 મહત્વના અને 110 નાના-મોટા બ્રિજ/પુલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ-વડોદરા અને વડોદરા-ગોધરા લાઇન ઉપર મુસાફરો તેમજ માલસામાનના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં સફળતા મળી છે.
મુસાફરીનો સમય ઘટ્યો
આ પ્રોજેક્ટથી ટ્રેનોની સમયમર્યાદામાં પણ સુધારો થવા સાથે મુસાફરીનો સમય ઘટ્યો છે. આનાથી રોજિંદા મુસાફરો, વેપારીઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે મુસાફરી સરળ બની છે. મહત્વનું છે કે, વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારાની લાઇનથી વધુ પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં મદદ મળી છે. આ પ્રોજેક્ટથી આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે, અને માલના પરિવહન માટે રેલવે ઉપર નિર્ભર રહેતી કૃષિ અને ઉત્પાદન પ્રવૃત્તિઓને પણ ફાયદો થયો છે.