સગી જનેતા અને ભાઈએ યુવતીની હત્યા કરી, માતા જેલમાં, ભાઈ બે દિવસના રિમાન્ડ પર

- ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં શ્રમજીવી પરિવારમાં ખેલાયો ખુની ખેલ
- યુવતી ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે વાત કરતી હોય, વાત ન કરવા સમજાવવા છતાં યુવતી ન માનતા પુત્રીનું કાસળ કાઢી નાખ્યું
ઘોઘા તાલુકાના ભીકડા ગામે આવેલ ભડીયા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ હરજીભાઈ સરવૈયાની દિકરી પારૂલબેન શિહોરના વિવેક કનૈયાલાલ શિહોરા સાથે છેલ્લા એકાદ વર્ષથી મોબાઇલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં વાત કરતી હતી. જેથી હિંમતભાઈની પત્ની દયાબેન અને હિંમતભાઈના દિકરા પ્રકાશે અવાર-નવાર તેની સાથે વાત કરતા પારૂલબેનને પકડી પાડી હતી અને વિવેક સાથે વાત નહી કરવા પારૂલબેનને સમજાવ્યા હતા. પરંતુ પારૂલબેન માનતા ન હતા અને વિવેકભાઈ સાથે નહી પરણાવો તો ભાગીને લગ્ન કરી લઇશ તેમ કહેતા હતા. જેથી દયાબેન હિંમતભાઈ સરવૈયા અને તેનો પુત્ર પ્રકાશ હિંમતભાઈ સરવૈયાએ પારૂલબેનને પકડી મોઢે હાથ દબાવી પ્રકાશે પારૂલબેનને ગળામાં તેમજ શરીરે આડેધડ છરીના ઘા મારી પારૂલબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સગી જનેતા અને ભાઈએ યુવતીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ચેક ડેમમાં ફેંકી દીધો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના પિતા હિંમતભાઈ હરજીભાઈ સરવૈયાએ પત્ની અને પુત્ર વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં પુત્રીની હત્યા કરી હોવાની ફરિયાદ વરતેજ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વરતેજ પોલીસે ગણતરીની કલાકોમાં માતા અને પુત્રની ધરપકડ કરી લીધી હતી, અને માતા-પુત્રને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મૃતક યુવતીના ભાઈના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે જ્યારે માતાને જેલહવાલે કરવા હુકમ કર્યો છે.
હત્યા કર્યાં બાદ માતા-પુત્રએ યુવતીની લાશ ખાલી ચેકડેમમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો
માતા-પુત્રએ લાશનો છુપી રીતે નિકાલ કરવા માટે ખાલી ચેકડેમમાં મુકી આવ્યા હતા અને કપડા, જમીન ઉપર લોહીના ધાબા પડેલ જે પાણીથી સાફ કરી નાખ્યા હતા. તેમજ પ્રકાશનુ લોહીવાળું ટીશર્ટ તથા લાશની હેર-ફેર કરવામાં ઉપયોગ કરેલ પ્લાસ્ટકીનુ તાપડુ સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યો હતો.








