ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન
વડોદરાઃ કેન્દ્ર સરકારની ઉન્નત ભારત અભિયાન યોજના માટે ગુજરાતમાં એમ.એસ.યુનિવર્સિટીને રિજનલ કો ઓર્ડિનેટરનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ યોજના હેઠળ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ગામડાઓમાં જઈને સર્વે કરશે અને ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ અંગે સરકારને વાકેફ કરશે.એ પછી સમસ્યાઓના ઉકેલ માટે સરકાર દરેક ગામ દીઠ ૫૦૦૦૦ રુપિયા ફાળવશે.જરુર પડશે તો સીએસઆર એક્ટિવિટી હેઠળ જે તે ગામને વધારે સહાય પણ મળશે.
એમ.એસ.યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન પ્રો.સુનિતા શર્મા યુનિવર્સિટી વતી આ કામગીરી સંભાળી રહ્યા છે.તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં અમે ૪૨ સંસ્થાઓનુ રજિસ્ટ્રેશન કરી ચૂકયા છે અને દરેક સંસ્થા પાંચ ગામમાં કામગીરી કરશે.આમ અત્યાર સુધીમાં ગુજરાતના ૨૨૦ ગામડા આવરી લીધા છે.અમારુ લક્ષ્ય એક વર્ષમાં બીજી ૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓનુ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાનું છે.
આગામી દિવસોમાં આ ગામડાઓમાં વિદ્યાર્થીઓ સમસ્યાઓને જાણવા માટે સર્વે કરશે.આ પહેલા તેમને યોજના અંગે જાણકારી આપવા માટે યુનિવર્સિટીમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૩ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.