ઓલપાડની અછારણ દુધ મંડળીમાં વહીવટદાર મુકવા અરજી થતા રજિસ્ટ્રારે રિપોર્ટ માંગ્યો

- આ મંડળીમાં એકાદ સભ્યને બાદ કરતા મોટાભાગના સભ્યોએ મંડળીના
ક્રાઇટેરીયા મુજબ દુધ ભર્યુ ન હોવાથી કમિટી ગેરલાયક ઠરે છે
સુરત
સુરત જિલ્લાના ઓલપાડના અછારણ ગામની દૂધ મંડળીમાં બહારથી દૂધ લાવીને ભરતા હોવાના આક્ષેપ સાથે બબ્બે અરજદારોએ ફરિયાદ ખેંચ્યા બાદ ફરિયાદની ગંભીરતાને લઇને આખરે જિલ્લા રજિસ્ટ્રારે દુધ મંડળીના પ્રમુખને સત્વરે કચેરીમાં રિપોર્ટ કરવા આદેશ કરતા એકવાર ફરી રાજકારણ ગરમાયુ છે.
ઓલપાડના અછારણ ગામે અછારણ દૂધ ઉત્પાદક મંડળી આવી છે. આ મંડળીને લઇને પહેલા કિરિટ દેસાઇ અને ત્યારબાદ ભારૃડીના અજીત પટેલે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી કે મંડળીના પેટા કાયદાની જોગવાઇ મુજબ ચૂંટણીના અગાઉના નાણાંકીય વર્ષમાં ૧૮૦ દિવસ અથવા ૭૦૦ લિટર દૂધ ભર્યુ ના હશે તો મંડળીના વ્યવસ્થાપક સમિતિમાં ચૂંટવાને લાયક ગણાશે નહીં. અથવા તો ચૂંટાયેલા હશે તો ચાલુ રહેવાને પાત્ર ગણાશે નહીં. આ જોગવાઇ જોતા અછારણ મંડળીમાં એકાદ સભ્યને બાદ કરતા તમામ કાયટેરીયા મુજબ દુધ ભર્યુ ના હશે તો કમિટિ સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. આ ફરિયાદમાં મંડળીના એક સભ્ય બ્રિજેશ પટેલ રાજકીય આગેવાન છે. અને દુધ ઉત્પાદનનો વ્યવસાય કરતા નહીં હોવાછતા સુમુલની ચૂંટણીમાં ઝંપલાવવા માટે બહારથી દૂધ લાવીને ભરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ સભ્ય પાસે પોતાના દુધાળા પશુ જ નથી. આથી કલમ-૮૧ હેઠળ અછારણ મંડળીમાં વહીવટદાર મુકવા માટે અરજ કરવા માંગ કરાઇ હતી.
આ અરજી બાદ બન્ને અરજદારોએ અરજી પાછી ખેંચી લીધી હતી. આથી અંહિયા જ પૂર્ણ વિરામ મુકાઇ ગયુ હતુ. પરંતુ આ કેસમાં ત્રીજી ફરિયાદ જયેશ પટેલે કરી હતી. આ ફરિયાદ કર્યા બાદ જિલ્લા રજિસ્ટ્રારે આખરે ફરિયાદના આધારે અછારણ દુધ મંડળી સામે થયેલી ફરિયાદમાં મંડળી કક્ષાએથી શુ હકીકત છે ? જેનો હકીકત લક્ષી રિપોર્ટ આધાર- પુરાવા સાથે રજુ કરવા આદેશ કર્યો છે. આમ મંડળીને લઇને ફરી એકવાર ઓલપાડનું રાજકારણ ગરમાયુ છે.
જિલ્લા રજિસ્ટ્રારે પણ મોડે મોડે કાર્યવાહી શરૃ કરી
તાજેતરમાં જ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે
જહાંગીરપુરા ગુ્રપ કોટન સેલ સોસાયટીની વાર્ષિક સભામાં સહકાર ક્ષેત્રેને લઇને
સ્પષ્ટ જણાવ્યુ હતુ કે હું ફકત લોકોની સેવા કરવા આવ્યો છુ. હું ચમરબંધી કૌભાડીઓને
પણ છોડવાનો નથી. ભલે તેમણે એક રૃપિયાનો ભષ્ટ્રાચાર કર્યો હોઇ કે પછી પાંચ લાખનો. આ
શબ્દોના કારણે ખેડુતોમાં હાશ બંધાઇ છે કે ન્યાય મળશે. સાથે જ જિલ્લા રજિસ્ટ્રારે
મોડે મોડે પણ કાર્યવાહી કરાઇ છે. આથી આગામી દિવસોમાં કેવા એકશન લે છે તેના પર સૌ
ની નજર છે.
બે અરજીઓ પાછી ખેંચાઇ ને ત્રીજી અરજી થઇ
સુમુલની
ચૂંટણી આવી રહી હોવાથી જે રીતે ચાલી રહેલા દાવપેચમાં ઓલપાડની અછારણ દુધ મંડળીને લઇને
કિરીટ દેસાઇ અને અજીત પટેલે અરજી કરી હોવાછતા કોઇ કારણોસર અરજી પાછી ખેંચી લીધી હતી.
પરંતુ ત્રીજી અરજી ખુદ જયેશ પટેલે જ કરી હતી. અને આખરે જિલ્લા રજિસ્ટ્રારે ચાબુક ચલાવવી
પડી.








