Gujarat

આર્બિટ્રેશનમાં ૬૦ કેસ હારી જવાના મામલે વિજિલન્સ રીપોર્ટમાં મ્યુનિ. અધિકારીઓને કલીનચીટ અપાઈ

By GS TEAM
11 Nov 20252 mins read
આર્બિટ્રેશનમાં ૬૦ કેસ હારી જવાના મામલે વિજિલન્સ રીપોર્ટમાં મ્યુનિ. અધિકારીઓને કલીનચીટ અપાઈ

અમદાવાદ, મંગળવાર,11 નવેમ્બર,2025

કોન્ટ્રાકટરો અને અમદાવાદ મ્યુનિ.વચ્ચેના વિવાદમાં કોર્પોરેશન પાંચ વર્ષમાં ૬૦ કેસ હારી જતા આર્બિટ્રેશનના હુકમ મુજબ રુપિયા ૧૦૪ કરોડની રકમ કોન્ટ્રાકટરોને ચૂકવવાની થાય છે. લિગલ કમિટીમાં આ મામલે મંગળવારે રજૂ કરાયેલા વિજિલન્સ રીપોર્ટમાં એક પણ મ્યુનિસિપલ અધિકારીને દોષિત ઠેરવવામા આવ્યા નથી.કમિટી ચેરમેને વિજિલન્સ તપાસ સોંપ્યા પછી પણ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગની તપાસમાં કુલડીમાં ગોળ ભાંગી કોન્ટ્રાકટરોને આર્બિટ્રેશનના હુકમ મુજબ બાકી લહેણી રકમ લેવા રસ્તો સરળ કરી અપાયો હોવાની મ્યુનિ.વર્તુળોમાં વ્યાપક ચર્ચા સાંભળવા મળી હતી.

કમિટીમા રજૂ કરાયેલા વિજિલન્સ રીપોર્ટને લઈ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર બચાવની ભૂમિકામા આવી ગયા હતા. વિજિલન્સ તપાસ જયારે સોંપાતી હોય છે એ સમયે મુખ્ય હેતુ કોર્પોરેશનના કોઈ સંબંધિત વિભાગના અધિકારીઓની સંડોવણી કે ભૂમિકા હતી કે નહીં એ બાબત અગ્રમિતાના ધોરણે તપાસવામા આવતી હોય છે.રુપિયા ૧૦૪ કરોડના એવોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરૃધ્ધમા આવ્યા હોવા છતાં હાલમા પણ ચેરમેન કોર્પોરેશને આર્બિટ્રેશનની જોગવાઈ રદ કરી હોવાની તથા કોર્પોરેશને તમામ કેસમાં કોમર્શિયલ કે સીટી સીવીલ કોર્ટમાં અપીલ કરી હોવાથી કોર્પોરેશનને એક પણ રુપિયો કોન્ટ્રાકટરને આપવાનો થશે નહીં એમ કહી રહયા છે.આગામી ફેબુ્રઆરી મહીનામા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે એ બાબતને ધ્યાનમા રાખી વિજિલન્સ તપાસના રીપોર્ટમાં ન તો કોન્ટ્રાકટર પક્ષે કે ના તો મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીઓને દોષિત ઠેરવવાના બદલે સિસ્ટમ ના કારણે આમ થયુ હોવાનુ બહાનુ આગળ કરી તપાસ ઉપર ફિડલું વાળી દીધુ છે.

આકાશ ઈન્ફ્રાને ૮૫ કરોડ, રણજિત બિલ્ડકોનને ૨૪ કરોડ ચૂકવવાના છે

વર્ષ-૨૦૧૭મા અમદાવાદમા રોડ તૂટવા મામલે કોર્પોરેશને કોન્ટ્રાકટર આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચરના રુપિયા ૪૦ કરોડના અલગ અલગ બીલ રોકતા  કોન્ટ્રાકટર આર્બિટ્રેશનમા જતા આર્બિટ્રેટરે વ્યાજ સાથે કોન્ટ્રાકટરને રુપિયા ૮૫ કરોડ ચૂકવવા હુકમ કરેલો છે. ગુજરાત કોલેજ ફલાય ઓવર અને અન્ય એક બ્રિજ મામલે રણજિત બિલ્ડકોનને રુપિયા ૨૪ કરોડ ચૂકવવા આર્બિટ્રેટરે હુકમ કરેલો છે.જલારામ પ્રોજેકટને રુપિયા ૨.૩૮ કરોડ ચૂકવવાના છે. કોમર્શિયલ કોર્ટમાં  રણજિત બિલ્ડકોનના કેસની ૨૮ નવેમ્બરે જયારે  આકાશ ઈન્ફ્રાસ્ટ્રકચરની ૧૭ ડિસેમ્બર તથા જલારામ પ્રોજેકટના કેસની ૨૮ નવેમ્બરે સુનવણી હાથ ધરાશે.