સુરત,તા. 12,
ડિસેમ્બર, 2019, ગુરુવાર
સુરત મહાનગર પાલિકામાં ચાલતી સિક્યુરિટી ના કોન્ટેક્ટને પુરાવા વિના રદ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ રીફર બેક કરી છે. ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ હોવા છતાં એક વર્ષ પૂરું થયા બાદ કયા કારણથી કોન્ટ્રાક્ટ રદ કરવાનો છે તે કારણ તંત્રએ જણાવ્યા ન હતા.સ્થાયી સમિતિના સભ્યોએ ઉભા થયેલા પ્રશ્નોના જવાબ અધિકારીઓ આપી શક્યા ન હતા. જેના કારણે આ દરખાસ્ત રીફર બેક કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકામાં વાષક 18 કરોડથી વધુ ખર્ચ એ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ગત વર્ષે મહાનગરપાલિકાએ નવ કોન્ટ્રાક્ટરોને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સ્થાયી સમિતિમાં જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે એક વર્ષના કોન્ટ્રાક્ટ બાદ કામગીરી સંતોષકારક ગણાય તો વધુ બે વર્ષ કોન્ટ્રાક્ટ વધારવાનો ઉલ્લેખ કરાયો છે. આ કોન્ટ્રાકટની એક વર્ષની મુદત 30 નવેમ્બર 2019ના રોજ પૂરી થઈ છે. વિભાગ દ્વારા કામગીરીની સમીક્ષા કરવાને બદલે કોન્ટ્રાક્ટ એક વર્ષમાં પૂરો કરી નવા ટેન્ડર ઇસ્યુ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તે ફાઇલમાં કોન્ટ્રાક્ટ કયા કારણથી રદ કરવામાં આવ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. સ્થાયી સમિતિની મંજૂરી વિના રજૂ કરવામાં આવેલા દરખાસ્તને કારણે સંકલન બેઠકમાં પણ હોબાળો થયો હતો. સ્થાયી સમિતિની ઉપરવટ જઈ તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મુદ્દે અધિકારીઓનો ખુલાસો પૂછવા જણાવાયું હતું. ત્રણ વર્ષ ને બદલે એક વર્ષમાં જ શા માટે કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો નિર્ણય કરાયો છે? અધુરી દરખાસ્ત છે કારણો કેમ રજૂ નથી કર્યા? આવા પ્રશ્નો સભ્યો દ્વારા પૂછવામાં આવ્યા હતા પરંતુ તેના કોઈ જવાબ મળ્યો નથી. જેના કારણે આ વિવાદી દરખાસ્ત રીફર બેક કરવાનો નિર્ણય કરાયો છે.
દરખાસ્તમાં કંઇક છુપાવાતું હોવાની મ્યુનિ. કચેરીમાં ચર્ચા
મહાનગરપાલિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે
પહેલા જે ટેન્ડર મંજૂર કરાયા હતા તેમાં એજન્સીએ રજૂ કરેલા દસ્તાવેજમાં છીંડા હતા.
કેટલીક એજન્સીઓમાં ભાજપના કેટલાક નેતાની ભલામણ હોવાથી સ્થાયી સમિતિની અંધારામાં
રાખીને નવી દરખાસ્ત રજૂ કરી દેવામાં આવી છે. જોકે ચર્ચા એ પણ ચાલી રહી છે કે, આ અંગેની જાણ એક પદાધિકારીને હતી પરંતુ વિવાદ ઊભો થતાં
યુ-ટર્ન લઈ લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે મોટો
વિવાદ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

