રેફરલ હોસ્પિટલનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
ગાંધીનગરના કલોલ શહેરમાં આવેલી
પીએમજેવાય અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે રૃપિયા લેતા હોવાની ફરિયાદ પરથી એસીબીએ છટકુ ગોઠવ્યુ હતું
ગાંધીનગર : સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ તરીકે નાણા પડાવવાની વાત સ્હેજ પણ નવી નથી. ત્યારે કલોલ શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પીએમજેવાય અને આય્સમાન કાર્ડ કાઢી આપવા માટે લાભાર્થીઓ પાસેથી પૈસા પડાવાતા હોવાની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવીને ઓપરેટરને રૃપિયા ૧૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
એસીબી પોલીસના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે કલોલની રેફરલ હોસ્પિટલમાં ગરીબ સહિતના લાભાર્થીઓ પાસેથી આયુસ્માન કાર્ડ કાઢી આપવા માટે અને પીએમજેવાય યોજના સંબંધિ અરજીઓ કરી આપવા માટે નાણા ખંખેરવાના ઇરાદાથી અરજદારોને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવામાં આવતા હોવાની ફરિયાદો પોલીસને મળી હતી. તેના સંબંધે માહિતી મેળવવામાં આવતાં તેમાં તથ્ય જણાઇ આવ્યાના પગલે છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. જેના પગલે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોમ કરતા કોમ્પ્યુટર ઓપરેટર યશ બકુલભાઇ ભાવસારને રૃપિયા ૧૦૦ની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો. એસીબીની રેડ પડયાની વાતો વાયુવેગે તબીબી કર્મચારી વતુર્ળોમાં ફેલાઇ હતી અને ચર્ચાનો વિષય બની હતી.