Get The App

ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે 1 - image


'ઉપવાસ એક તપ અને સંઘર્ષ છે પરંતુ કોઇ પણ તપ એક પ્રથા બને ત્યારે તેમાં દૂષણો આવે છે' : શ્રાવણમાં ભકિત સાથે સ્વાસ્થ્યનો સુમેળ સાધવો આવશ્યક : દાઝિયા તેલમાં તળેલી વાનીઓ, વાસી સામગ્રીથી ફૂડ પોઈઝનિંગનો ખતરો : આરોગ્ય વિભાગે સમયસર- સતત ચેકિંગ કરવું જરૂરી

રાજકોટ, : આધ્યાત્મ અને વૈજ્ઞાાનિક  દ્રષ્ટિએ સાત્વિક ભોજન સાથે ઉપવાસનું મહત્વ અનેરૂં છે. વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય જાળવવું જરૂરી બની રહે છે એ ધ્યાને રાખીને લોકો શ્રાવણમાં ઉપવાસ, એકટાણાને મહત્વ આપે તો છે, પરંતુ ફરાળમાં ક્યું ભોજન લેવું તેનો ખ્યાલ રાખવાનું ભૂલી જાય છે. ચોમાસામાં પાચનક્રિયા મંદ પડી જતી હોવાથી ઉપવાસમાં હળવો- સાત્વિક ખોરાક શરીર માટે ફાયદાકારક નીવડે છે. આ તબક્કે, ફરાળના નામે બજારમાં મળતી અવનવી વાનગીઓ અખાદ્ય, વાસી, ઘી-તેલમાં તળેલી, સરખી સાફ ન કરેલી હોવાથી પેટને લગતી બીમારી, ફૂડ પોઇઝનિંગની સંભાવના વધી જાય છે. જન આરોગ્ય ન જોખમાય તે માટે આરોગ્ય વિભાગે બજારૂ ફરાળની વ્યાપક અને સતત ચકાસણી હાથ ધરવી જરૂરી છે.

હિંદુ ધર્મમાં ઉપવાસનો અર્થ ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. શરીરનું ભાન ભૂલી જપ, તપ અને પરમાત્માની નજીક રહેવું. ભોજનથી ભરેલાં પેટથી મન ભક્તિમાં સ્થિર રહેતું નથી, જ્યારે ખાલી પેટ મન સ્થિર રાખે છે. ઉપવાસ એક તપ અને સંઘર્ષ છે પરંતુ કોઇ પણ તપ એક પ્રથા બને ત્યારે તેમાં દૂષણો આવે છે. શ્રાવણ કે કોઇપણ વાર-તહેવારના ઉપવાસમાં ફળાહાર, લીંબુપાણી કે મઘનું પાણી પુરતું હોય છે. પરંતુ અત્યારે ફરાળ માટે ભાત-ભાતની વાનગીઓ ભોજનમાં લેવામાં આવે છે, જે શરીર કે મનના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

શરીરને સ્વસ્થ રાખવા ઉપવાસમાં શું- શું ખાઇ શકાય : * મોરૈયો, * બાફેલાં શક્કરિયાં, * ઓછી માત્રામાં શિંગદાણા-સાબુદાણા,  * દિવસ દરમિયાન એક સમય રાજગરો, * સિઝન પ્રમાણે ફળો, * * ઉકાળેલું દૂધ- હળદર અને સૂંઠ સાથે, * સીંધાલુણ, * મધ- લીંબુનું પાણી, *  ઉકાળેલું પાણી, * આદુ, કોથમીર, લીલા મરચાં.

ફરાળના ભોજનમાં આ ટાળવું : * બટેટા કે તેમાંથી બનેલી વાનગી, * વધુ પડતા સાબુદાણા, * તળેલી વસ્તુ, * મસાલેદાર વાનગી, * ચેવડો- વેફર, * બજારમાં મળતી ફરાળી વાનગી.

Tags :