દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ

આજથી નવ દિવસ સુધી વનતંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
સિંહોના વસવાટવાળા જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર પંથકમાં ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા વન વિભાગ સજ્જ બન્યો
મુળ ગીરની બોર્ડર પરના હાલમાં ધંધાર્થે બહારના શહેરોમાં વસવાટ કરતા લોકો દિવાળીના તહેવારમાં ગામડે આવી જાય છે. મોટાભાગના ગામડાઓ લોકોથી ભરાઈ જાય છે. આ ઉપરાંત ગીરની બોર્ડર પરના ગામડાઓમાં સગા-સબંધી ધરાવતા લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે. તહેવારોમાં રજા હોવાથી ગીરની બોર્ડર પરના ગામડાઓમાં લોકોને ભારે જમાવડો થાય છે. સિંહ જોવાનો ક્રેઝ દિવસે-દિવસે વધી રહ્યો છે. સાસણ જંગલ સફારી, દેવળીયા સફારી પાર્ક તથા ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકે છે પરંતુ અમુક લોકો ગેરકાયદેસર સિંહ દર્શન માટેની પ્રવૃતિ કરતા હોય છે. જેમાં સિંહોની પજવણી થવાની પણ શક્યતાઓ થાય છે.
સિંહોની પજવણી અને ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે ગીર પશ્ચિમ, ગીર પૂર્વ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં આવતીકાલથી રેડ એલર્ટ શરૂ થઈ જશે. દિવાળીના મિનિ વેકેશનના નવ દિવસ સુધી વનતંત્ર દ્વારા રેવન્યુ વિસ્તારમાં જ્યાં સિંહનું લોકેશન હોય તેવા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવશે. દિવાળી પૂર્વે વનતંત્ર રેડ એલર્ટને લઈ સજ્જ થયું છે, રેન્જ વાઈઝ પેટ્રોલિંગ માટેની અલગ-અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે. અલગ-અલગ ટીમ અલગ-અલગ વિસ્તારમાં સાંજથી લઈ બીજે દિવસ સવાર સુધી પેટ્રોલિંગ કરશે.
પંકાયેલા તત્ત્વો પર વોચ રાખવામાં આવશે
ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા તથા સિંહોની પજવણી કરતા શંકાસ્પદ લોકો પર ખાસ વોચ રાખવામાં આવશે. ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ દ્વારા તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. રેડ એલર્ટના ખાસ પેટ્રોલિંગ પર એસીએફ, ડીસીએફ, સીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ વોચ રાખશે. અગાઉ દિવાળીના સમયમાં અનેકવાર ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહોની પજવણીના કિસ્સા બન્યા હોવાથી વનતંત્ર દ્વારા દર વખતની જેમ આ વખતે ગીરની બોર્ડર પર તથા સિંહોના વસવાટા વાળા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.