મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ
- કડાણા ડેમનું લેવલ જાળવવાના આયોજનના પગલે તંત્ર દોડતું થયું
- આંકલાવ તાલુકાના 12, બોરસદના 8, આણંદના 4 અને ઉમરેઠના બે ગામને સાવચેત કરાયા : કાંઠા વિસ્તારમાં પશુઓને ચરાવવા નહીં લઈ જવા સૂચના
કડાણા ડેમની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લઈ તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા જળાશયમાંથી અંદાજે ૧૦,૨૦૦ ક્યુસેકથી ક્રમશઃ વધારીને શનિવારે ૬૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. પરિણામે વણાંકબોરી વિયર પરથી શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ૧૩,૫૮૮ ક્યુસેકથી વધીને ૬૦,૦૦૦ જેટલો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો.
કડાણા ડેમમાંથી શનિવારના રોજ ૬૦,૦૦૦ ક્યુસેક પાણી છોડયા બાદ હવે ઉપરવાસમાં વધુ વરસાદ થતા ડેમની જળ સપાટી વધતા રવિવારે બપોરે બે વાગ્યા પછી ફરી ૬૯,૦૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને પરિણામે નદી વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવા નડિયાદ ફ્લડ સેલ મહી બેઝિન દ્વારા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮,આણંદના ૪, ઉમરેઠના બે અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર, વાલવોડ જેવા ગ્રામ્ય વિસ્તારોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે. આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવવાળી, રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ - ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી વાંટા, ગંભીરા જેવા ગ્રામ્ય વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્રએ સાવચેત રહેવા તેમજ નદીના પટમાં નહીં જવા સૂચનાઓ આપી દીધી છે. રેડ એલર્ટ જાહેર કરીને મહીકાંઠાના ગ્રામજનોને નદી કિનારે નહીં જવા તથા પશુઓને ચરાવવા માટે ન લઈ જવાની તાકીદ કરાઈ છે.