ગુજરાતમાં રજાઓ પૂરી થઈ ત્યાં આજે અને કાલે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ

બંગાળની ખાડીમાં મીની વાવાઝોડુ : ગુજરાત પર ટ્રોફ, સાયક્લોનિક સર્ક્યુલેશન : આજે જુનાગઢ, અમરેલી, સોમનાથ, દિવ- દમણ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી, ડાંગ જિ.માં ભારે વરસાદની ચેતવણી
રાજકોટ, : બંગાળની ખાડીમાં સર્જાયેલ લોપ્રેસર આજે વધુ શક્તિશાળી બનીને ડીપ્રેસન અર્થાત્ મીની વાવાઝોડા સાથે ભારે વરસાદની સીસ્ટમ બની છે જે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધે છે, કચ્છના નલિયાથી જગદલપૂર સુધી મોનસૂન ટ્રોફ જારી છે ઉપરાંત અરબી સમુદ્ર અને તેને અડીને ગુજરાત રાજ્ય ઉપર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે ગુજરાતમાં ભારે વરસાદનું રેડએલર્ટ જારી કરાયું છે. હજુ આજે સાતમ,આઠમની રજાઓ પૂરી થવા સાથે આંશિક દુકાનો અને સરકારી કચેરીઓ આજથી શરુ થઈ છે ત્યાં જ હવે ભારે વરસાદનું હવામાન સર્જાયું છે.
પ્રાદેશિક મૌસમ વિજ્ઞાાન કેન્દ્ર અનુસાર આવતીકાલે જુનાગઢ,અમરેલી, ગીર સોમનાથ, દિવ, દમણ, નવસારી અને વલસાડ જિલ્લા માટે હવામાનનું સૌથી મોટુ રેડ એલર્ટ અને સુરત, તાપી,ડાંગ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉપરાંત બાકીના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
ગુજરાતમાં તા. 19, 20ના છૂટાછવાયા સ્થળે અતિશય ભારે વરસાદ ે જ્યારે આગામી એક સપ્તાહ સુધી 75 ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. વરસાદ સાથે 40- 50 કિ.મી.સુધીનો તીવ્ર પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
આજે રાત્રિના 8 સુધીમાં 58 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૂત્રાપાડામાં સવા બે ઈંચ, સાવરકુંડલામાં પોણા 2 ઈંચ સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ, ઉના અને માંગરોળમાં એક ઈંચ, યાત્રાધામ દ્વારકા, અમરેલી, કેશોદ, ખાંભા, માળિયા હાટીના, મેંદરડા, જુનાગઢ અને જ્યાં આજે ભાવિકોની ભીડ હતી તે સોમનાથ પાટણ-વેરાવળમાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો.ધારી,રાજુલા,રાણાવાવ,કલ્યાણપુરમાં પણ હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા.









