Get The App

ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી 1 - image


Gujarat IMD Rain Forecast : હવામાન વિભાગે આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા સુધી ઍલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, હવામાન વિભાગે અન્ય 8 જિલ્લાઓમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી, સુરત, ભરુચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબીનો સમાવેશ થાય છે. આ સિવાય, રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા વધી છે. આગામી 24 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (20 ઑગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આગામી 22 ઑગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી 2 - image

માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર

છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં  વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતના 82 તાલુકામાં ધોધમાર વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 

રાજ્યના ડેમની સ્થિતિ

રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈઍલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ ઍલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચથી વધુ, માળિયાહાટીમાં 2 ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ આ ઉપરાંત 24 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. 

Tags :