કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો પાસેથી ૩.૬૮ કરોડની વસુલાતના ચેક લેવાયા

વડોદરા,હરણી લેકઝોન દુર્ધટનામાં વળતર ચૂકવવા માટેની કાર્યવાહીમાં હાજર નહી ંરહેતા ૬ ભાગીદારોને આજે પોલીસ પકડી લાવી હતી. આ તમામ ભાગીદારોએ વળતરની રકમના ચેક મામલતદાર કચેરીમાં આપી દીધા છે.આમ કુલ ૩.૬૮ કરોડના ચેક જમા થયા છે.
વડોદરાના હરણી લેકઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાના મુદ્દે વડોદરા નાયબ કલેક્ટર કચેરીમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા ૪.૦૯ કરોડ ચૂકવી આપવામાં આવે તેવા થયેલા ઓર્ડરના અમલ માટેની કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. ગત ફેબુ્રઆરી મહિનામાં થયેલા ઓર્ડર પછી મામલતદારે વસુલાતની કાર્યવાહી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોટિયા પ્રોજેક્ટના ૧૫ ભાગીદારો પૈકી એકનું મોત થતા ૧૪ ભાગીદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વસુલાતની કાર્યવાહી દરમિયાન ૧૪ પૈકીના ૮ ભાગીદારો મામલદાર સમક્ષ હાજર રહ્યા હતા. મામલદાર દ્વારા તેઓને ઓર્ડરનો અમલ કરવા માટેની સમજ આપતા તેઓએ ૩૦ મી જૂને તા. ૩૦ - ૦૭ - ૨૦૨૫ ની તારીખનો પોસ્ટ ડેટેડ ચેક જમા કરાવ્યા હતા. પરંતુ, બાકીના ૬ ભાગીદારો હાજર રહ્યા નહતા. જેથી,તેઓને ફરીથી ૧ લી જુલાઇના રોજ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. તેમછતાંય તેઓ હાજર રહ્યા નહતા કે રકમ ભરવામાં કોઇ રસ દાખવ્યો નહતો.
જેથી,મામલતદારે તમામ ૬ ભાગીદારો સામે ગત ૮ મી જુલાઇએ વોરંટ ઇશ્યૂ કરી હરણી અને અકોટા પોલીસને વોરંટની બજવણી માટે મોકલી આપ્યા હતા. આજે સવારે પોલીસે તમામ ૬ ભાગીદારોને મામલતદાર (પશ્ચિમ) એ.એમ. પરમાર સમક્ષ હાજર કર્યા હતા. આજે હાજર થયેલા અન્ય ૬ ભાગીદારોએ પણ વળતરની રકમના ચેક આપી દીધા હતા.
આગામી ૧૪ મી તારીખે હાઇકોર્ટમાં સુનાવણી
વડોદરા,
હરણી બોટકાંડના કેસની આગામી ૧૪ મી તારીખે હાઇકોર્ટમાં સુનાવણી છે. હાઇકોર્ટમાં સરકાર દ્વારા આ ચેક રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટ જે સૂચના આપશે તે પ્રમાણે પીડિત પરિવારને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવું સૂત્રોએ જણાવ્યું છે.
મૃત્યુ પામેલા ભાગીદારના ભાગે આવેલી રકમ કોણ ચૂકવશે
વડોદરા,
કોટિયા પ્રોજેક્ટ પાસેથી વસુલ લેવાના થતા ૪.૦૯ કરોડ પૈકી ૩.૬૮ કરોડની વસુલાત થઇ ગઇ છે. જ્યારે મૃત્યુ પામેલા ભાગીદાર હિતેશ કોટિયાના ભાગના ૪૦.૯૯ લાખ હજી બાકી છે. તેની વસુલાત કઇ રીતે અને કોની પાસેથી કરવાની રહેશે. તે અંગે ઔઆગામી ઓર્ડરની રાહ જોવાઇ રહી છે.
કયા છ ભાગીદારોને પોલીસે પકડીને હાજર કર્યા
વડોદરા,
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોટિયા પ્રોજેક્ટના છ ભાગીદારો બિનીત કોટિયા, વત્સલ પરેશભાઇ શાહ, દિપેન હિતેન્દ્રભાઇ શાહ, ધર્મીલ ગિરીશભાઇ શાહ, નૂતનબેન પરેશભાઇ શાહ ્ને વૈશાખી પરેશભાઇ શાહને આજે પોલીસે પકડીને મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા.








