Get The App

સુરતીઓના ફેવરીટ ઉત્તરાયણની રજામાં સરથાણા નેચર પાર્કમાં રેકર્ડ બ્રેક ભીડ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
સુરતીઓના ફેવરીટ ઉત્તરાયણની રજામાં સરથાણા નેચર પાર્કમાં રેકર્ડ બ્રેક ભીડ 1 - image

સુરતમાં પતંગોની રંગીન છટા અને આતશબાજીની ગૂંજ વચ્ચે ઉત્તરાયણની રજાએ લોકોના મનોરંજનનો માહોલ જામ્યો હતો. એક તરફ છત પર પતંગ ચગાવવાની મજા, તો બીજી તરફ પરિવાર સાથે ફરવા નીકળેલા સુરતીઓ માટે સરથાણા નેચર પાર્ક મુખ્ય આકર્ષણ બન્યો હતો. રજાના માહોલમાં કુદરતના ખોળે સમય પસાર કરવા ઉમટી પડેલા હજારો લોકોના કારણે નેચર પાર્ક હાઉસફુલ બની ગયો હતો. આજના દિવસે એક જ દિવસે પાલિકાના નેચર પાર્કમાં 24388 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે પાલિકાને 7.22 લાખની આવક થઈ હતી. 

સુરત પાલિકા સુરત કામરેજ રોડ પર તાપી નદી કિનારે 81 એકરમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય  ( નેચર પાર્ક) બનાવ્યું છે. આ નેચર પાર્ક આમ તો વેકેશન દરમિયાન હાઉસ ફુલ હોય છે. જોકે, મંગળવારથી શુક્રવાર વચ્ચે રોજના અંદાજે એક થી દોઢ હજાર મુલાકાતીઓ આવે છે. જ્યારે વીક એન્ડમાં શનિ-રવિ વારે પાંચ હજારની આસપાસ મુલાકાતીઓ આવતા હોય છે.  પરંતુ આજે વીક એન્ડ કરતાં ચાર ગણા મુલાકાતીઓ આવતા પાલિકાનું નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું. 

છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્ક માં ઉમટી પડતા હોય નેચર પાર્ક ના સમયમાં વધારો કરવો પડે છે. જોકે,  ગઈકાલે સુરતીઓનો પોતિકો ઉતરાયણનો હોવા છતાં સુરતીઓ વેકેશન નો માહોલ હોય તેમ સરથાણા નેચર પાર્ક માં પહોંચી ગયા હતા. ઉતરાયણ ના  દિવસ દરમિયાન સરથાણા નેચર પાર્ક માં 24388 મુલાકાતીઓ આવ્યા હતા. આ મુલાકાતીઓએ ટિકિટ ખરીદી તેના કારણે પાલિકાને 7.22 લાખ રૂપિયાની આવક થઈ હતી.

આજના  દિવસ દરમિયાન નેચર પાર્ક માં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉતરાયણના દિવસે સુરતીઓ ઉમટી પડતાં વીક એન્ડ કરતાં ચાર ગણા સુરતીઓ નેચર પાર્ક માં પહોંચી ગયા હતા જેના કારણે નેચર પાર્ક માં હાઉસ ફુલ જેવો માહોલ જોવા મળ્યો હતો.