Get The App

પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનની માતા પાસે હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનની માતા પાસે હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું 1 - image

Vadodara Murder Case : વડોદરા તાંદલજા વિસ્તારમાં પતિની હત્યાના બનેલા ઘાતકી બનાવમાં પોલીસ દ્વારા હત્યારી પત્ની પાસે બનાવનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

તાંદલજાના ચોતરાવાળા ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતા ગુલબાનુ બંજારાએ મુંબઈ ખાતે રહેતા મૂળ યુપીના વતની એવા પ્રેમી તૌસિફને પામવા માટે નડતરરૂપ બનતા પતિ ઈર્શાદની ઘાતકી હત્યા કરી હતી. 

પતિનું કાસળ કાઢવા માટે ગુલબાનુએ ગઈ તા.18મી તેના પ્રેમીને મુંબઈથી વડોદરા બોલાવ્યો હતો. બંને જણા અકોટાની મિલન હોટલમાં મળ્યા હતા. જ્યાં પ્રેમી તૌસિફે પ્રેમિકાને ઊંઘની ગોળીઓ આપી હતી અને યોજના સમજાવી હતી. 

પ્લાન મુજબ પત્નીએ પતિને રાત્રે ઘેનયુક્ત ગોળીઓ વાળું દૂધ આપ્યું હતું અને ત્યારબાદ વોટ્સએપ કોલ કરી પ્રેમી તૌસિફ અને તૌસિફના મામા મહેતાબને બોલાવ્યા હતા. પત્નીએ પતિના પગ પકડી રાખ્યા હતા, જ્યારે પ્રેમીએ ઓશિકા વડે મોં દાબી દીધું હતું અને પ્રેમીના મામાએ પતિના ગળામાં દુપટ્ટો વીંટાળી જોરથી ખેંચ્યો હતો. તરફડિયા મારતા ઈર્શાદનું પ્રેમીએ માથું પછાડ્યું હતું અને ત્યારબાદ પ્રેમી અને તેનો મામા ફરાર થઈ ગયા હતા. 

પત્નીએ સમગ્ર હત્યાને હાર્ટ એટેકમાં ખપાવાનો પ્રયાસ કરતાં મરનાર યુવકના પરિવારજનોને શંકા ગઈ હતી અને તેમને પોલીસની મદદ લેતા પાંચ દિવસ બાદ ઈર્શાદના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં ઈર્શાદનું મોત ગળે ફાંસો અને માથામાં ઈજા થયાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગુલબાનુની ધરપકડ કરી બનાવનાર સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જે દરમિયાન ટોળા જામ્યા હતા.